શિયાળો જામે એ પૂર્વે રશિયા-યુરોપમાં ચા રવાના કરવા સક્રિય બનેલા નિકાસકારો

- દેશના યુવા વર્ગમાં કોફીનું ચલણ વધ્યું

- કેન્યાના બદલે ભારતની ચા તરફ વળેલું રશિયા : દેશમાં બ્લેન્ડીંગ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યાના નિર્દેશો

દેશમાં  ચા બજાર તથા ઉદ્યોગ  ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો  ઝડપથી પલ્ટાતા જોવા  મળ્યા છે.  ચા બજારમાં રિટેલ માગ ઉપરાંત હવે બલ્ક વપરાશકારોની  માગ  પણ જોવા મળી છે.  દેશમાં  તહેવારોની મોસમ પછી હવે  લગ્નસરાની મોસમ  શરૂ થઈ છે ત્યારે   આગળ ઉપર આવા  બલ્ક વપરાશકારોની  ખરીદી વધવાની  શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  દેશમાં જો કે ચાનો વપરાશ મોખરે  રહેવા છતાં હવે કોફીનું ચલણ  પણ વધી  રહ્યાના વાવડ મળ્યા છે.  આ પૂર્વે  કોફીનો વિશેષ વપરાશ દેશના દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં  વધુ થતો હતો  પરંતુ હવે અન્ય  રાજ્યોમાં પણ  કોફીનો વપરાશ વધતો જોવા મળ્યો છે.  ખાસ કરીને દેશના યુવાવર્ગમાં  કોફીનું  ચલણ તાજેતરના વર્ષોમાં  વિશેષ વધ્યું  હોવાનું  ચા તથા કોફી બજારના   સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન  તાજેતરમાં  દક્ષિણ ભારતમાંથી મળેલા  નિર્દેશો મુજબ  કેરળ-કોચીમાં  તાજેતરમાં  થયેલા ચાના ઓકશનમાં  નિકાસકારોની વિશેષ માગ જોવા મળી હતી. શિયાળાનો  આરંભ થતા અગાઉ રશિયા તથા યુરોપના  બજારોમાં માલ પહોંચાડી  દેવા ઉત્સુક નિકાસકારોએ  તાજેતરમાં  કેરલ-કોચી ચા બજારના  ઓક્શનોમાં  ખાસ્સી સક્રિયતા  બતાવી હોવાની ચર્ચા  બજારમાં સંભળાઈ છે. ચા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં કેરળ-કોચીના એક ટી-ઓક્શનમાં  આશરે પોણા ચાર કિલો ચા ઓફર થઈ હતી એ પૈકી એક કિલો ચા તો માત્ર એક જ મોટા નિકાસકારે ખરીદી લેતાં  બજારમાં  ચા વિશે  ખાસ્સી ચર્ચા સંભળાઈ  હતી. આ નિકાસકારે  એક લાખ કિલોથી  વધુ ચા આ ઓકશનમાં ખરીદી હોવાના  સમાચાર મળ્યા છે.   રશિયા તથા  યુરોપમાં  શિયાળાનો આરંભ થાય પછી ત્યાં માલ પહોંચાડવાનું કામ અઘરું બનતું હોય  છે અને આના કારણે ત્યાં  શિયાળો  શરૂ થતા અગાઉ માલ પહોંચાડી દેવા પડાપડી  શરૂ થઈ છે. રશિયા તથા  યુરોપમાં  ડિસેમ્બરના  પ્રથમ  સપ્તાહમાં  માલ પહોંચાડવો જરૂરી  હોવાનું ચા બજારના  નિકાસકારોએ  જણાવ્યું હતું.

વિશ્વ બજારના  જાણકારોના જણાવ્યા  મુજબ કેન્યાની ચા મોંઘી  બનતા ભારતની  ચામાં રશિયાનું  બાઈંગ તાજેતરમાં  વિશેષ વધ્યું છે.  આ વર્ષના  પ્રથમ આઠ મહિનામાં  ભારતની ચાની રશિયા તરફ  થતી નિકાસ આશરેપાંચ ટકા  વધુ થઈ  છે. રશિયાનું  બાઈંગ ખાસ કરીને  દક્ષિણ ભારતની સસ્તી ચામાં આ  ગાળામાં  જોવા મળ્યું હતું. રશિયામાં ટી-બેગનું  ચલણ વધતાં  રશિયાના બાયરો હવે  ઓર્થોડોકસ ચા ઉપરાંત કોમન વેરાયટી સીટીસી ચાની ખરીદી પણ કરતા જોવા મળ્યા છે. કેન્યામાં  ચાના ભાવ વધી  તાજેતરમાં  કિલોના અઢી ડોલર નજીક  પહોંચતા  રશિયાનું બાઈંગ ભારતમાં  વિશેષ આવતું  થયું છે. જો કે રશિયાના  બાયરો  ભારતની સસ્તા પ્રકારની  ચા ખરીદતા થતાં ભારતથી  થતી ચાની  નિકાસમાં  ભાવ ૧૨થી ૧૩ ટકા ઓછા  મળતા થયાની વાતો પણ આ બજારમાં  સંભળાઈ છે.  રશિયાના બાયરો કિલોના રૂ.૧૬૩ આસપાસના ભાવોએ ભારતની ચા ખરીદી  રહ્યા હતા  જ્યારે બજાર ભાવ સરેરાશ રૂ.૧૮૦ આસપાસ રહ્યા હતા. રશિયાનું બાઈંગ વધતાં ભારતથી ચાની નિકાસ વધી  ૧૪૦૦ લાખ ટન થવાની શક્યતા  જાણકારો બતાવી રહ્યા હતા.  દરમિયાન, સરકાર હસ્તકના ટી-બોર્ડના સૂત્રોના  જણાવ્યા મુજબ  ટી-બ્લેન્ડીંગ પરનો  પ્રતિબંધ  દૂર કરવામાં  આવ્યો છે.  આના પગલે ખાસ કરીને દાર્જિલીંગ ચાના ઉત્પાદકોને વિશેષ રાહત થવાની શક્યતા  બજારના સૂત્રો બતાવી રહ્યા હતા.  આ પૂર્વે ભારતની  આમાં  આયાતી ચાનું બ્લેન્ડીંગ  બંધ કરવામાં આવતું હતું. આવા પ્રતિબંધ  પૂર્વે  દાર્જિલીંગ  ચામાં  અન્ય ચાનું  બ્લેન્ડીંગ  કરી પર ચડી  શકે  એવા ભાવની ચા બનાવી બજારમાં વેંચવામાં આવતી હતી. એકલી દાર્જિલીંગ ચાના ભાવ નોંધપાત્ર  ઉંચા રહેતા હોય છે  અને એવા ઉંચા  ભાવોએ વેપારો  ઓછા થતા  હોય છે.  દેશમાં દાર્જિલીંગ ચાનું  વાર્ષિક  ઉત્પાદન  આશરે ૭૦ લાખ કિલો જેટલું  થાય છે જ્યારે  આવી ચાની નિકાસ વાર્ષિક આશરે ૩૦થી ૪૦ લાખ કિલો જેટલી થાય છે એ જોતાં દેશમાં આવી ચાની સરપ્લસ રહે છે.  નેપાળની ચાનો વિકલ્પ  ઉપલબ્ધ થતાં ઘરઆંગણે દાર્જિલીંગ  ચાની માગ  પર અસર પડી છે. જો કે હવે બ્લેન્ડીંગનો પ્રતિબંધ દૂર થયો છે અને તેના પગલે  દેશમાં દાર્જિલીંગ ચાના વેપારો  તથા માગ  ફરી વધવાની ગણતરી બજારના  જાણકારો બતાવી રહ્યા હતા. તાજેતરમાં  કુનૂર  ઓકશનમાં  ઓર્થોડોક્સ ચાના ભાવ પણ  ઉંચા  ઉપજ્યા હતા.


City News

Sports

RECENT NEWS