Get The App

પોરબંદરનાં પક્ષી અભ્યારણમાં ત્રણ દાયકા બાદ દેખાયા 800 ફલેમીંગો

- ભુગર્ભ ગટરનું ગંદુ પાણી છોડવાનું બંધ થતાં

Updated: Apr 25th, 2019

GS TEAM

Google News
Google News
પોરબંદરનાં પક્ષી અભ્યારણમાં ત્રણ દાયકા બાદ દેખાયા 800 ફલેમીંગો 1 - image


પક્ષી અભ્યારણ્યમાં ૮૬ જાતના પક્ષીઓનો વસવાટઃ વિન્ટર વિઝીટર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટે છે

પોરબંરદ, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર

ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં શહેર મધ્યે પક્ષી અભ્યારણ્ય આવેલું છે. અને ત્યાં છેલ્લા ૩ દાયકાથી ગટરના પાણી ઠાલવાતા હોવાથી ફલેમીંગો જેવા પક્ષીઓ સ્થળાંતર કરી ગયા હતાં.  પરંતુ આ વર્ષે ભૂગર્ભ ગટર યોજના સાકાર થઈ હોવાથી ગંદા પાણી અભ્યારણ્યમાં છોડવાનું બંધ થતાં ફલેમીંગો પક્ષીઓને અનુકુળ બે ફૂટ જેટલું જ પાણી  બચતાં ત્રીસેક વર્ષ પછી અહીંયા  ૮૦૦ જેટલા ફલેમીંગો જોવા મળ્યા હોવાથી બર્ડ કન્ઝરવેશન સોસાયટી સહિત પક્ષીપ્રેમીઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

પોરબંદરના પક્ષીઅભ્યારણ્યમાં ૮૬ જાતના પક્ષીઓનો વસવાટ છે. આ પક્ષીઓમાં મોટી ચોટલી ડુબકી, નાની ડૂબકી, ચોટીલી પેણ, ગુલાબી પેણ, મોટો કાજીયો, વચ્ચેટ કાજીયો, નાનો કાજીયો, સર્પ ગ્રીવ, બગલો, બગલી, પીળી ચાંચ ઢાંક, કાંકણસાર, નાનો હંજ, મોટો હંજ, બતક, રાખોડી કારચીયા, નીલ શિર, ગયણો, સિગપર, સંતાકુકડી, જલમુરઘો. ટીટોડી, ગડેરો, તુંતવારી, ગજપાંઉ, કાળી પીઠ ધોમડો, કલકલીયો, દૂધરાજ, સ્વેતનૈયણ, કરકરો, કુંજ, કોયલ, કંસારો, પોપટ, કાગળો, કાબર, વૈયા, સક્કરખોરો, ચકલી, સુઘરી, દેવચકલી, દૈયડ, દરજીડો, માખીમાર  જેવા વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે.

પક્ષી અભ્યારણ્યમાં વિન્ટર વિઝીટર પક્ષીઓ શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓ અને માઈગ્રેટર પક્ષીઓનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના પક્ષીઓને અહીંયા પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે તેમજ વાતાવરણ પણ યોગ્ય હોવાથી કેટલાક પક્ષીઓ અહીંયા જ કાયમી ધોરણે વસી જાય છે. કેટલાક પક્ષીઓ ઋતુ પ્રમાણે અહીંની મુલાકાત લે છે.

વિદેશી પક્ષી પ્રેમીના પ્રયાસોથી પોરબંદરને પક્ષી અભ્યારણ્ય મળ્યું

આંતરરાષ્ટ્રીય પક્ષીપ્રેમી મી. પીટર જેકશન ૧૯૮૧ ની સાલમાં પોરબંદરની મુલાકાતે આવ્યા ત્યારે આ સુંદર સ્થળેે આવીને રોમાંચિત બની ઉઠયા હતા અને તેના વિશે પ્રોજેકટ તૈયાર કરીને તાત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને સુપ્રત કર્યો હતો અને ત્યારબાદ આ જગ્યાએ ૧૯૮૮ની સાલમાં ગુજરાત વનવિભાગે નોટિફીકેશન બહાર પાડી પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કર્યું હતું અને ૧૯૯૦ની સાલમાં નગરપાલિકા પાસેથી જગ્યા હસ્તગત કરીને તેનો વિકાસ હાથ ધર્યો હતો.

Tags :