18 કોરોનાગ્રસ્ત દર્દીઓ વચ્ચે માત્ર એક બાથરૂમ
- પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લોલમલોલ
- 'તાત્કાલીક ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કેમ કરવું?' નિંભર સરકારી તંત્રનાં જવાબથી પ્રસરેલો આક્રોશ
પોરબંદર, તા. 27 જુલાઈ, 2020, સોમવાર
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના કોરોના પોઝીટીવ દર્દીઓને શૌચાલય અને બાથરૂમ જેવી પાયાની સુવિધામાં તંત્ર દ્વારા અખાડા કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે અને દર્દીઓ આ અંગેની રજુઆત વારંવાર કરી હોવા છતાં ચારેક દિવસ પહેલા રજુઆત કરી હોવા છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નહીં હોવાથી ઉચ્ચકક્ષાએ રજુઆત થઈ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખોરોના પોઝીટીવ દર્દીઓને રાખવામાં આવ્યા છે તે વોર્ડમાં હાલમાં સ્ત્રી પુરૂષ મલી ૧૮ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અને તેમના માટેની પાયાની શૌચાલય અને બાથરૂમ હોવાથી અને તેમાં પણ મહીલાઓ અને પુરૂષોની અલગ વ્યવસ્થા નહીં હોવાથી દર્દીઓને પારાવાર પરેશાની વેઠવી પડે છે. એટલું જ નહીં, પરંતુ શૌચાલય પણ બે જ હોવાને લીધે ખુબ મુશ્કેલીનો સામનો કોરોનાના દર્દીઓને કરવો પડે છે. આ અંગે અગાઉ પણ રજુઆત થઈ હોવા છતાં હોસ્પિટલના રેઢીયાળ તંત્રએ નક્કર કામગીરી કરી નથી.
મહત્વની બાબત એ છે કે, હોસ્પિટલના એક અધિકારીને આ અંગેની રજુઆત ટેલીફોન દ્વારા કરવામાં આવતા તાત્કાલીક ઈન્ફ્રાસ્ટ૩કચર કેમ ઉભું કરવું? તેવો સવાલ દર્દીઓ સામે ઉઠાવ્યો હતો. પોરબંદરના જીલ્લા કલેકટર મોદી દોઢસો બેડની અદ્યતન કોવિડ હોસ્પિટલ તમામ સુવિધાસભર હોવાનું જણાવે છે, પરંતુ જયાં કોરોનાના દર્દીઓને રાખવામાં આવ્યા છે ત્યાં શૌચાલય અને બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધા પણ પુરતા પ્રમાણમાં છે કે નહીં? તેની દરકાર લેવાઈ નહીં હોવાનું બહાર આવ્યું છે.