સ્વાસ્થ્ય માટે પ્રાર્થના-બંદગી
પોરબંદર,રાજકોટ, તા. 12 જુલાઈ, 2020, રવિવાર
અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જ કરોડો ચાહકોમાં ચિંતા વ્યાપી છે ત્યારે તેના અને તેમના પરિવારજનોની સલામતી માટે પોરબંદરમાં દિવ્યાંગ ચાહકે ગાયત્રી ચાલીસાના અખંડ પાઠ શરૂ કર્યા છે. તો રાજકોટમાં તેના હમશકલે ખૂદા પાસે દૂઆ માંગી છે.
પોરબંદરમાં રહેતા અમિતાભ બચ્ચનના દિવ્યાંગ ચાહક મનિષ વાઘાલેઆ બચ્ચન પરિવરાની સ્વસ્થ્યતા માટે ગાયત્રી ચાલીસાના અખંડ પાઠ શરૂ કરી દીધા છે અને બચ્ચન પરિવાર સંપૂર્ણપણે કોરોનામુક્ત બને તે માટે તે ગાયત્રી માતાજીને પ્રાર્થના કરી રહ્યો છે. આ દિવ્યાંગ ચાહક યુવાન દર વર્ષે અમિતાભના જન્મદિવસની પોરબંદરમાં તેના ઘરે જ ઉજવણી કરે છે. તે જણાવ છે કે અમિતાભ બચ્ચનને લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય મળે તે માટે પોતે નિયમિત રીતે સવાર-સાંજ અમિતાભની તસ્વીર સામે આરતી ઉતારે છે. ૧૨ બાય ૧૫ જેવી ઓરડી જેવા રૂમમાં રહેતા યુવાને પોતાની વિકલાંગોને બેસવાની સાયકલ ઉપર, ટીવીમાં મકાન ઉપર તથા દિવાલોમાં પણ જય અમિતાભ લખાવ્યું છે અને એ જ નામે તે ઓળખાય છે. તેને અગાઉ સારણગાંઠનું કેન્સર થઈ ગયું હતું તે સમયે વિધવા મા સાથે એકલા રહેતો આ યુવાન ગરીબ હોવા છતાં હિંમત હાર્ય વગર પોરબંદરવાસીઓના સહકારથી નાણા એકઠા કરીને અમદાવાદ ખાતે કેન્સરનું ઓપરેશન અને શેક લેવડાવીને હિંમતભેર કેન્સર સામે ઝઝૂમ્યો તો. અમિતાભ બચ્ચન કુલી ફિલ્મના શુટીંગ વખતે ગંભીર રીતે ઘવાયા હતા પરંતુ જીજીવિષાને કારણે અને ચાહકોના પ્રેમને લીધે નવજીવન મળ્યું હતું. આથી બીગ-બીના જીવનમાંથી પ્રેરણા લઈને હું પણ કેન્સર સામે ઝઝુમ્યો તેમ તેણે ઉમેર્યું હતું.
રાજકોટમાં છેલ્લા રપ વર્ષથી બચ્ચનના ચાહક અને તેના ડુપ્લીકેટ તરીકે જાણીતા કલાકાર ફિરોઝ ધંધુકીયા અમિતાભની એક્ટીંગ મંચ પરથી કરતા આવ્યા છે. પોતાનાં મકાનનું નામ પણ 'જલસા 'રાખ્યુ છે. ગઈ રાતે જયારે બચ્ચનને કોરોના પોઝીટીવનાં સમાચાર સાંભળ્યા બાદ તેને પણ ં મિત્રોનાં ફોન સતત આવતા રહયા હતા. અમિતાભ જયારે કુલીનાં શુટીંગ વખતે ઘાયલ થયા ત્યારે પણ તેમના આ ચાહક અને તેમનાં કલાકાર મિત્રોએ દુઆ કરી હતી. બીગ બી હવે કોરોના સંક્રમિત થતા તેઓ આ આફતમાંથી પણ હેમખેમ પાર ઉતરી જશે તેવો વિશ્વાસ ચાહકોએ વ્યકત કર્યો હતો.
રાજકોટમાં પણ બચ્ચન ફેન કલબ ચાલે છે તેમાં આશરે ૩૦૦ જેટલા સભ્યો છે. બચ્ચન ફેન કલબનાં શૈલેષ નામના એક સભ્યએ જણાંવ્યુ હતું કે આજે સવારે જ અમે કલબનાં કેટલાક સભ્યો મહાદેવનાં મંદિરે ગયા હતા અને અમિતાભ અને તેમનો પરિવાર આ સંકટમાંથી હેમખેમ પાર ઉતરે તેવી પ્રાર્થના કરી હતી. દરજી કામની દુકાન ધરાવતા આ ચાહકે તેના ઘરે અને દુકાનમાં અમિતાભનાં ઢગલાબંધ ફોટા રાખ્યા છે.


