Updated: May 8th, 2023
પોરબંદર નજીકના ગોસા ગામનો બનાવ : બારપોરા પાઠના સામૈયા વખતે ભડકેલા આખલાએ અનેકને હડફેટે લીધા : ઘાયલોને સારવાર માટે ખસેડાયા
પોરબંદર, : પોરબંદર નજીકના ગોસા ગામે બારપોરા પાઠના સામૈયા સમયે ડી.જે.ના અવાજથી ભડેકેલા નંદીએ ૮ જેટલા મહિલા બાળકોને હડફેટે લઈ લેતા પોરબંદરની સરકારી હોસ્પીટલે સારવાર માટે લવાયા બાદ અલગ અલગ હોસ્પિટલોમાં પણ સારવાર લીધી હતી.
પોરબંદર નજીકના ગોસા ગામે રવિવારે બારપોરા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં ચારેક વાગ્યાના સુમારે સામૈયું થયું હતું ત્યારે ડી.જે. વગાડવામાં આવતા તેના અવાજથી ભડકેલા નંદીએ ચાલુ સામૈયાએ અંદર દોટ મુકતા 8 જેટલા મહિલા બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેથી તેમને સારવાર પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં.
નંદીએ હડફેટે લેતા પોરબંદરની હોસ્પીટલે સારવાર માટે લવાયેલ કચઢ ગામના શાંતિબેન રાજાભાઈ કડછા (ઉ.વ.39 ) ચીંગરીયા ગામના શાંતિબેન નાગાભાઈ દાસા (ઉ.વ.૩૩), બળેજની મિતલ લખુભાઈ પરમાર (ઉ.વ.9) ગોસાના કિરણબેન લાખણશી મોઢવાડિયા (ઉ.વ.32) ગોસાની મંજુ અરભમભાઈ મોઢવાડિયા (ઉ.વ. 11) છાંયા જમાતખાના પાસે રહેતા ભાવનાબેન ભનુ ભૂતિયા (ઉ.વ. 47) ગોસાના ગીતાબેન ખીમા મોઢવાડિયા (ઉ.વ. 36) પોરબંદરના કડિયા પ્લોટ પટેલ મિલ પાસે રહેતા રાંભીબેન રાયશી કડછા (ઉ.વ. 60) ને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.