Get The App

પોરબંદરમાં રેન્જ આઈ.જી.ની મુલાકાત સમયે જ 24 લાખનો દારૂ પકડાયો

Updated: Feb 4th, 2023

GS TEAM


Google News
Google News
પોરબંદરમાં રેન્જ આઈ.જી.ની મુલાકાત સમયે જ 24 લાખનો દારૂ પકડાયો 1 - image


સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસનું નાક કાપ્યું : 7800  બોટલ વિદેશી દારૂ સાથે ટ્રકચાલક સહિત બે રાજસ્થાની શખ્સોની ધરપકડ, દારૂ મોકલનાર અને મંગાવનારને પકડવા કવાયત

પોરબંદર, : એકબાજુ પોરબંદરની પોલીસ કોલર ઉંચો રાખીને રેન્જ આઈ.જી. મુલાકાત સમયે અને ઈન્સપેક્શન સમયે 'સબ સલામત'ના ગાણા ગાઈ રહી છે તો બીજી બાજુ એ જ રેન્જ આઈ.જી. પોરબંદરમાં હતા તેવા સમયે જ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને ઉદ્યોગનગર પોલીસ મથકેથી એક કિ.મી.થી પણ ઓછા અંતરે વિદેશી દારૂ ભરેલો ટ્રક કબજે કર્યો છે. જેમાંથી 7800 બોટલ દારૂ સહિત 35 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને બે શખ્સોની ધરપકડ કરીને રાજસ્થાનથી માલ મોકલનારનું નામ ખોલવાયું છે. પરંતુ સ્થાનિક મંગાવનાર કોણ હતું ? તેની કોઈ વિગત હજુ સુધી બહાર આવી નથી.

જૂનાગઢ રેન્જના આઈ.જી. મયંકસિંહ ચાવડાના પોરબંદરમાં દ્વિ દિવસીય ઈન્સ્પેક્શન અને પરેડ નિરીક્ષણ, લોકસંવાદ, ક્રાઈમ કોન્ફરન્સના આયોજન કર્યા ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના ઈન્સ્પેક્ટર આર. જી. ખાંટ અને ટીમે પોરબંદરમાં દરોડો પાડયો હતો. ઉદ્યોગનગર પોલીસ મથકથી એકાદ કિમી.ના અંતરે આવેલ આઈસ ફેક્ટરીના સામેના મુખ્ય રસ્તા ઉપરથી પસાર થતા એક શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. જેમાં તલાશી ેલેતા વિદેશી દારૂની ૭૮૦૦ બોટલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

ટ્રકમાંથી રાજસ્થાન ઉદયપુર જિલ્લાના બોરાજ ગામના હિંમતસિંહ લાલાઅમરસિંહ રાજપુત તથા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બાંદોડા કેરપુરા ગામના ભંવરલાલ ધર્માજી મીણા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂા. 3100ની રોકડ કબજે કરવામાં આવી હતી. 10 લાખનો ટ્રક, 10,000 રૂપિયાના બે મોબાઈલ, 24લાખ 69,000ની વિદેશી દારૂની 7800 બોટલો સહિત કુલ રૂા.34,82,100 નો  મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા બન્ને શખ્સોની આકરી પુછપરછ કરતા તેણે રાજસ્થાનના જાબિદ ભાટી ઉર્ફે રાહુલ પાટીલ નામના શખ્સ દ્વારા આ માલ મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું. તેથી પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધ્યો છે તથા આઈશર લોડ કરનાર ડ્રાઈવર, તેને ખાલી કરનાર ડ્રાઈવર ઉપરાંત પોરબંદર ખાતેથી દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો ગુનો નોંધ્યો છે. 

ઉલ્લેખનિય છે કે રેન્જ આઈ.જી.ના ઈન્સ્પેક્શન સામે જ પોલીસ સ્ટેશનના તદ્દન નજીકના વિસ્તારમાંથી આટલી વિશાળ માત્રામાં દારૂ કબજે કરીને સ્ટેટ મોનીટરીંગ સેલે પોરબંદર પોલીસનું નાક કાપી લીધું છે અને આગળની પુછપરછ હાથ ધરી છે.


Tags :