પાટણ રાણીની વાવના પટાંગણમાં બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાશે
- રાણીની વાવને રોશનીથી શણગારાશે
- બેઠક વ્યવસ્થા, લાઈટીંગ, પાર્કિંગ સહિતની કામગીરીની તડામાર તૈયારીઓ
પાટણ, તા. 11 ડીસેમ્બર 2019, બુધવાર
આગામી તા. ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ પાટણ ખાતે રાણીની વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તથા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તથા સ્થળ પર જ બેઠક યોજી આયોજન અને કામગીરી બાબતે જરૃરી સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર કલા અને સંસ્કૃતિને ઉજાગર કરનાર રાણીની વાવ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કાર્યક્રમના સ્થળે બેઠક વ્યવસ્થા, લાઈટીંગ, પાર્કિંગ વ્યવસ્થા સહિતની કામગીરી સુપેરે થાય તે સુનિશ્ચિત કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર બેઠક યોજી દિશાસુચનો કર્યા હતા.
આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સાથે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સલામતી વ્યવસ્થા બાબતે પરામર્શ કર્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાના હોઈ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ તથા મેડીકલ ટીમ પણ સ્થળ પર હાજર રાખવામાં આવશે. ચીફ ઓફિસરને શહેર તથા કાર્યક્રમના સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૃરી વ્યવસ્થા કરવા સુચના આપી હતી.
રાણીની વાવ ખાતે જિલ્લા કલેક્ટરએ સ્થળ નિરીક્ષણ કરી ઉત્સવ દરમ્યાન રાણીની વાવને ભવ્ય લાઈટીંગ સુશોભિત કરવાના આયોજન બાબતે સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.