સંસ્થા કે રાજકારણીઓ આગળ ન આવ્યા જુવાનજોધ દીકરાના અંતિમસંસ્કાર કરવા માટે માતાનો વલોપાત !
- પોલીસકર્મી, તબીબ કે એક સદ્ગૃહસ્થના પ્રયત્નોથી મૃતદેહને સિધ્ધપુર લઈ જવાની વ્યવસ્થા કરાઈ
પાટણ, મહેસાણા, તા.15 જુલાઈ 2018, રવિવાર
પાટણની ધારપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ઝેરી દવા પી લેનાર વિજાપુર તાલુકાના એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જોકે પોસ્ટમોટર્મ બાદ પોતાના જુવાનજોધ દીકરાના અંતિમસંસ્કાર કરવા માટે તેણી માતાનો વલોપાત કઠણ કાળજાના વ્યક્તિની આંખોમાંથી આંસુ લાવે તેવા હતા. પૈસાના અભાવે મજબુર બનેલી માતાને પોલીસ કર્મી, તબીબ તેમજ એક સદ્ગૃહસ્થે આશ્વાસન આપીને યુવાનના મૃતદેહને અંતિમસંસ્કાર માટે સિધ્ધપુર ખાતે લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી.
સામાન્ય રીતે મહાનુભાવોની જન્મજયંતિ કે મૃત્યુતિથિ પ્રસંગે રાજકારણીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ હોસ્પિટલોમાં જઈ દર્દીઓને ફ્રુટ, બિસ્કીટનું વિતરણ કરી વાહ...વાહ... મેળવતા હોય છે.
પરંતુ પાટણની સિવિલ હોસ્પિટલમાં સામાજિક તાણાવાણામાં મજબુર એક માતાના વલોપાતની અનુભુતિ કરવા રવિવારે એક પણ રાજકારણી કે સંસ્થાના કાર્યકર ડોકાયા ન હતા.
એક સપ્તાહ પહેલા પાટણના કુણઘેરમાં આવેલા એક મંદિરના દર્શન કર્યા બાદ સગીર યુવતી અને તેના પ્રેમીએ ઝેર ગટગટાવ્યું હતું. જેમાં ગંભીર હાલતમાં બન્નેને સારવાર માટે ખસેડાયા હતા. ત્રણ દિવસ પહેલા સગીરાનું મોત નીપજ્યું હતું. જ્યારે પાટણની ધારપુર સિવિલમાં યુવાન જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.
દરમિયાન સારવાર દરમિયાન આ યુવાનનું શનિવારે મોડી સાંજે મોત થયું હતું. મૃતકની લાશને પોસ્ટમોટર્મ માટે પાટણ સિવિલમાં મોકલવામાં આવી હતી. અહીં પોસ્ટમોટર્મ બાદ મૃતદેહને સ્વીકારવા માટે યુવાનની માતા અને ૪ વર્ષની બહેન જ હતી.
વળી ઝરમર વરસાદમાં એક તરફ જુવાનજોધ દીકરાના મોતનો માતમ અને અંતિમ સંસ્કાર માટે પૈસાના અભાવ વચ્ચે માતાનો વલોપાત ગમે તેને ધુ્રજાવી મુકે તેવો હતો.
જોકે માતાની મનોદશા જોઈ વ્યથિત બનેલા તબીબ, પોલીસ કર્મી અને એક સદ્ગૃહસ્થે પોતાની યથાશક્તિ પ્રયાસો કરીને કેટલાક સગાસંબંધીઓને સમજાવટ કરી બોલાવ્યા હતા અને યુવાનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સિધ્ધપુર પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી માનવતા મહેંકાવી હતી.