Get The App

પાટણમાં કોરોનાથી એકનું મોત નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

- પાટણ જિલ્લામાં પોઝિટિવ આંક સદી નજીકઃ 97 કેસ

- કોરોનામુક્ત સાંતલપુરમાં દિલ્હીથી આવેલ પુરુષને કોરોના પોઝિટિવ પાટણ શહેર, વારાહી અને સંડેર ગામમાં એક એક કેસ નોંધાયા

Updated: Jun 7th, 2020

GS TEAM

Google News
Google News
પાટણમાં કોરોનાથી એકનું મોત  નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા 1 - image

પાલનપુર, તા. 06 જૂન 2020, શનિવાર

પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા હવે પોઝિટિવ આંક સદી નજીક પહોંચી ગયો છે. જેની વચ્ચે ગુરુવારે પાટણ સિટી, પાટણ તાલુકાનું સંડેર ગામ તેમજ સાંતલપુરના વારાહીમાં એક એક કેસ નોંધાતા કુલ ત્રણ પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ આંક ૯૭ પર પહોંચી ગયો છે. જ્યારે સાંતલપુર તાલુકામાં કોરોનાએ પગપેસારો કરતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તો સંડેર ગામમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. જોકે ગામાં બે દિવસમાં બે પોઝિટિવ કેસને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગામને કોર્ડન કરી સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ ધારપુર હોસ્પિટલમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું.

પાટણ ધારપુર હોસ્પિટલમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું હતું. જેમાં અમદાવાદના વટવા વિસ્તારના એક દર્દી તા. ૩ મે ના રોજ પાટણ ખાતે આવેલ હોય કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તા. ૪ મે ના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેના બે દિવસ બાદ શનિવારે ધારપુર હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. જ્યારે પાટણ જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પાટણ શહેરમાં ગોરસ્થાનની ખડકી, જુના ગંજથી મિલન સિનેમા રોડ વિસ્તારની ૪૮ વર્ષીય મહિલાને ગળામાં દુઃખાવો, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો જણાતા સેમ્પલમાં રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.   જ્યારે પાટણ તાલુકાના સંડેર ગામની ૩૬ વર્ષીય મહિલાને તાવ અને ઉધરસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં રીપોર્ટ પોઝિટિવ આવતા સંડેર ગામમાં બે દિવસમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈ સંડેર ગામને આરોગ્ય વિભાગ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું હતું. તો સાંતલપુર તાલુકાના વારાહીમાં દિલ્હીથી આવેલ ૫૬ વર્ષીય પુરુષને શરદી અને ખાંસીના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં રીપોર્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધી કોરોના મુક્ત રહેલ સાંતલપુર તાલુકામાં પોઝિટિવ કેસ નોંધાતા તાલુકાના લોકોમાં ભય ફેલાઈ ગયો છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ ત્રણેય દર્દીઓના પરિવારના સભ્યોને કોરોન્ટાઈન કરી ગામને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.

જોકે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ૨૮૩૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૨૪૨૨ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો ૯૭ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ૬૯ દર્દીઓ સ્વસ્થ થઈ પરત ફર્યા છે. જ્યારે ૭ દર્દીઓ મોતને ભેટયા છે. જેમાં હજુ ૩૧૩ દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ રહેલ છે.

સાંતલપુર તાલુકામાં કોરોનાની એન્ટ્રી

પાટણ જિલ્લામાં અત્યાર સુધી પાટણ, સિધ્ધપુર, સરસ્વતી, સમી, હારીજ, ચાણસ્મા, રાધનપુર અને શંખેશ્વર સહિતના આઠ તાલુકામાં કોરોનાએ કહેર મચાવ્યો હતો. જેમાં એક માત્ર સાંતલપુર તાલુકામાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો ન હતો. પરંતુ દિલ્હીથી આવેલ વારાહીના ૫૬ વર્ષીય પુરુષનો  શનિવારે કોરોના પોઝિટિવ આવતા હવે પાટણ જિલ્લાના તમામ તાલુકાઓ કોરોનામાં સપડાયા છે.

Tags :