પાટણના બે અને શંખેશ્વરના એક પુરુષ સહિત ત્રણને કોરોના પોઝીટીવ
- કોરોના 70 વર્ષીય વૃધ્ધને ભરખી ગયો
- પાટણ શહેરમાં જોતજોતામાં મોતનો આંકડો 9 જ્યારે જિલ્લામાં 14 થઈ ગયોઃ કુલ પોઝીટીવ કેસ આંક 151 પર પહોંચ્યો
પાલનપુર,તા.22 જૂન 2020, સોમવાર
પાટણ શહેરમાં વધતા જતા કોરોના કેસો સામે પોઝીટીવ દર્દીઓના મોતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. જેની વચ્ચે સોમવારે શહેરના વધુ એક ૭૦ વર્ષીય વૃધ્ધને કોરોના ભરખી ગયો હતો. જેને લઈ શહેરમાં જોતજોતામાં કુલ ૯ દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે પાટણ શહેરમાં ૨ અને શંખેશ્વરમાં ૧ મળી જિલ્લામાં નવા ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે. જેને લઈ જિલ્લામાં કુલ પોઝીટીવ આંક ૧૫૧ પર પહોંચી ગયો છે.
પાટણ શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૮ દર્દીઓના મોત નિપજ્યા હતા. જેની વચ્ચે સોમવારે વહેલી સવારે પાટણ શહેરના છીંડીયા દરવાજાના વચલો માઢ વિસ્તારના ૭૦ વર્ષીય વૃધ્ધ ગત તા.૧૯-૬-૨૦૨૦ના રોજ ખાંસી અને અશક્તિના લક્ષણો જણાતા ધારપુર હોસ્પિટલમાં સેમ્પલ લઈ એડમિટ કરવામાં આવ્યા હતા. જેમાં ગત તા.૨૧-૬-૨૦૨૦ના રોજ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમાં મોડી રાત્રે ૧૧-૫૫ વાગયે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઈ શહેરમાં અત્યાર સુધી કુલ ૯ દર્દીનો કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે જિલ્લામાં કુલ ૧૪ દર્દી કોરોના ભરખી ગયો છે. તો બીજી તરફ જિલ્લામાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જેમાં પાટણ શહેરમાં ડોશીવટ બજાર પાસેના લાખુખાડ વિસ્તારના ૫૦ વર્ષીય પુરુષને શરદી-ખાંસીના લક્ષણો જ્યારે છીંડીયા દરવાજા પાસે ભૈરવ મંદિર પાછળની પલ્લવી પાર્ક સોસાયટીમાં રહેતા ૪૭ વર્ષીય પુરુષને શરદી-ખાંસીના લક્ષણો જણાતા બંને દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા અત્યાર સુધી પાટણ શહેરમાં કુલ ૭૦ દર્દીઓ કોરોનામાં સપડાયા છે. જ્યારે શંખેશ્વરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર પાછળ રહેતા ૩૭ વર્ષીય યુવકને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ ત્રણેય પોઝીટીવ દર્દીઓના પરિવારના સભ્યોને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ કોરોન્ટાઈન કરી દર્દીઓના વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પાટણ શહેરમાં અત્યાર સુધી કુલ ૭૦ કેસ નોંધાયા છે. જેમાંથી ૯ દર્દીઓ મોતને ભેટયા છે. જ્યારે જિલ્લામાં કુલ ૧૫૧ દર્દીઓ કોરોનામાં સપડાયા છે. જેમાં ૧૪ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. આમ હવે કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે તેવી સુફિયાણી સલાહ આપતી સરકાર ક્યાંકને ક્યાંક સરકારી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાવવામાં નિષ્ફળ નિવડી હોય અને આમ પ્રજાને જાણે ભગવાન ભરોસે છોડી દેવાઈ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
પાટણમાં 69 વર્ષીય વૃધ્ધાએ કોરોનાને હરાવ્યો
પાટણમાં કોરોનાથી અત્યાર સુધી ૧૫૧ કેસ નોંધાયા છે. જેમાં ૯૮ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. જેમાં સોમવારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ વિસ્તારના ૬૯ વર્ષીય વૃધ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરી હતી. જેમાં હજુ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ દાખલ રાખેલ છે તો ૧૬૧ શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ રહેલ છે.
પાટણ જિલ્લામાં કોરોનાથી મોટેભાગે વૃધ્ધના મોત નિપજ્યા
સ્થળ ઉંમર
સિદ્ધપુર ૪૭ વર્ષીય પુરુષ
રક્તાવાડો, પાટણ ૩૦ વર્ષીય મહિલા
ભીલવણ, સરસ્વતી ૭૨ વર્ષીય પુરુષ
મીરાપાર્ક સો.પાટણ ૩૧ વર્ષીય પુરુષ
વેરાઈ ચકલા,પાટણ ૬૦વર્ષીય પુરુષ
પનાગરવાડો,પાટણ ૬૦ વર્ષીય પુરુષ
ખડીયાસણ, સિદ્ધપુર ૬૮ વર્ષીય પુરુષ
દુદખા, સમી ૬૪ વર્ષીય પુરુષ
મારૃતિનગર, પાટણ ૬૬ વર્ષીય મહિલા
મદારસા ગોલવાડ-પાટણ ૬૯ વર્ષીય પુરુષ
ચાચરીયા ચોક-પાટણ ૭૨ વર્ષીય મહિલા
આનંદ નગર સો.પાટણ ૬૫ વર્ષીય મહિલા
માતપુર, તા.પાટણ ૬૭ વર્ષીય પુરુષ
છીંડીયા દરવાજા-પાટણ ૭૦ વર્ષીય પુરુષ