રાધનપુરમાં જીપડાલાનો પીછો કરતી પોલીસની ગાડી પર તેલના ડબ્બા ફેંકાયા
- સાતુન રોડ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા
- પોલીસને થાપ આપી જીપડાલુ અંધારામાં ઓઝલ થયું, ફેંકાયેલા તેલના ડબ્બા લોકોએ ઘરભેગા કર્યા
રાધનપુર, તા. 4 મે 2019, શનિવાર
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ગત મોડી રાત્રે તેલના ડબ્બા ભરેલ જીપડાલાનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે અતંરીયાળ રોડ પર ફિલ્મી દ્રશ્યો ર્જાયા હતા. જેમાં ડાલામાં બેઠેલા ઈસમોએ પોલીસની ગાડી પર તેલના ડબ્બા ફેંક્યા હતા અને અંધારામાં ઓઝલ થઈ ગયા હતા. સમગ્ર ઘટના બાબતે સવારે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયું હતું.
રાધનપુર પોલીસ સ્ટેશનની હદમાં ૩જી મે ના મોડી રાત્રે પરંપરા નામના સોયાબીન તેલના ડબ્બા ભરેલા જીપડાલાનો સ્થાનિક પોલીસ દ્વારા ખાનગી વાહનમાં પીછો કરવામાં આવ્યો હતો. તેલના ડબ્બા ભરેલ જીપડાલુ નગરના હાઈવે નજીક આવેલ શાંતિધામથી સાતુન રોડ પુરપાટ ઝડપે ગયું હતું. જેનો પીછો પોલીસે કરતાં ડાલાની પાછળ બેઠેલા બે ઈસમોએ પોલીસની ગાડી ઉપર તેલ ભરેલા ડબ્બા નાખ્યા હતા. અચાનક પોલીસની ગાડી ઉપર તેલના ડબ્બા નાખવામાં આવતા પોલીસે પોતાનું વાહન ધીમું કર્યું હતું. પરંતુ ડાલામાંથી તેલના ડબ્બા નાખવામાં આવતા લોકો ગભરાઈ ગયા હતા અને ગામના લોકો કાંઈ સમજે તે દરમિયાન ડાલાના ચાલકે ડાલુ ભગાવ્યું હતું.
રાત્રે બનેલી ઘટના બાબતે બનાસકાંઠામાંથી તેલના ડબ્બા ભરેલ જીપડાલુ ચોરી કરીને ડફેર ટોળકી લઈને આવતી હોવાની બાતમી આધારે પોલીસે પીછો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. જેમાં ચારેક ગામમાં રાત્રે જાગતા લોકોને રોડ ઉપર નાખવામાં આવેલા સોયાબીન તેલના ડબ્બા ઘરભેગા કર્યા હતા.