Gujarat

પાટણ જિલ્લામાં ધોરણ 1 થી 12ની શાળા તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓનો કોલાહલ

By GS Team
23 Nov 20211 min read
This article was originally published on 23 Nov 2021
પાટણ જિલ્લામાં ધોરણ 1 થી 12ની શાળા તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓનો કોલાહલ

પાટણ તા.22

પાટણ જિલ્લામાં ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આજે સોમવારથી શાળાઓ અને કોલેજોમાં શિક્ષણનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારે જાહેરાત કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સોમવારથી ધોરણ ૧થી ૫ માટે ઓફલાઈન શિક્ષણની શરૃઆત કરવા તૈયારીઓ હાથ ધરાઈ હતી. શાળાઓ દ્વારા વાલીઓના સંમતિ પત્ર સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ આવનારા વિદ્યાર્થીઓને વાલીનું સંમતિ પત્ર લાવવા અપીલ પણ કરાઈ હતી.

૨૦ મહિના બાદ ધોરણ ૧થી ૫ના વર્ગોમાં શિક્ષણનો પ્રારંભ થયો હતો. હાલમાં જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧થી ૫માં  ૧ લાખ ૦૫ હજાર ૧૩૫ વિદ્યાર્થી/વિદ્યાથનીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ધોરણ ૧થી ૫ના ઓફલાઈન વર્ગોનો પ્રારંભ કરવાની જાહેરાત ગઇકાલે રવિવારે કરવામાં આવી હતી. જો કે આજે પ્રથમ દિવસે બાળકોની પાંખી હાજરી હતી. બાળકોએ પ્રાર્થના કરી વર્ગો શરૃ કર્યા હતા.પાટણ જિલ્લા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળીને કુલ ૭૫૦ જેટલી શાળાઓમાં ધોરણ ૧થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૃ થયું હતું. પરંતુ પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી જોવા મળી હતી. નોંધનીય છે કે ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ શહેરની કોલેજો પણ ધમધમતી થઈ હતી. ઓછી હાજરીની વચ્ચે જે વિદ્યાર્થીઓ આવ્યા હતા તેઓ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતાં નજરે પડયા હતાં.