Get The App

પાટણ જિ. પંચાયતની સાધારણ સભા એકાએક મોકૂફ રખાતા હોબાળો

-કોંગ્રેસના સભ્યોને સભા ચાલુ રાખવાનો આગ્રહ

સત્તાધારી પક્ષ લઘુમતીમાં મુકાતા જિ. પં. પ્રમુખે સભા છોડી ચાલતી પકડી

Updated: Nov 16th, 2018

GS TEAM

Google News
Google News
પાટણ જિ. પંચાયતની સાધારણ સભા એકાએક મોકૂફ રખાતા હોબાળો 1 - image

મહેસાણા, પાટણ, તા. 15 નવેમ્બર, 2018, ગુરૃવાર

પાટણ જિલ્લા પંચાયતની ગુરુવારે મળેલી સામાન્ય સભામાં સત્તાધારી પક્ષ લઘુમતીમાં મુકાઈ જતાં નિયમ-૧૪ નો હવાલો આપીને એકાએક સભા મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવતા કોંગ્રેસના સદસ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે પ્રમુખ અને ડીડીઓ સભા સ્થળ છોડીને રવાના થઈ જતા કોંગ્રેસના સભ્યોએ અહીં જ બેસી રહીને સભા ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો.

પાટણ જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં સત્તાધારી ભાજપના ૧૩ સદસ્યો અને વિરોધ પક્ષ કોંગ્રેસના ૧૫ સદસ્યોએ હાજર  રહ્યા હતા.

આ બેઠકમાં એજન્ડા પ્રમાણે શિક્ષણ સમિતિની રચના કરવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો. જોકે સંખ્યાબળ જોતા સત્તાધારી પક્ષ લઘુમતીમાં હોવાથી શિક્ષણ સમિતિ ઉપર વિરોધ પક્ષનો કબજો થાય તેવા સંજોગો ઉભા થયા હતા.

સાધારણ સભાના પ્રારંભે એક સદસ્યનું અવસાન થયું હોવાથી બે મિનીટનું મૌન રાખી એજન્ડા મુજબ કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી.

પરંતુ એકાએક જ ભાજપના સદસ્ય લવિંગજી ઠાકોર અને પ્રમુખ વિનુભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ પ્રમુખ  સભા સ્થળ છોડી રવાના થઈ ગયા હતા.

બીજી તરફ કોંગ્રેસના સદસ્યોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો અને લઘુમતીમાં મુકાયા હોવાથી અગાઉથી ગોઠવણ કરીને સાધારણ સભામાં ભાજપના જ સભ્યોએ તકરાર કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

વળી ગેરકાયદેસર મુલતવી રાખવામાં આવેલી સાધારણ સભા શરૃ કરવા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુઆત કરી હતી.

કોંગ્રેસે સભાનું રેકોર્ડીંગ અને હાજરીપત્રકની માંગ કરી

પાટણ જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભા પ્રમુખ દ્વારા મુલતવી રાખવામાં આવતા કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે કોર્ટનો આશરો લેવાનો નિર્ણય કર્યો છે. જેથી સભાની કાર્યવાહીનું કરવામાં આવેલ વિડિયોગ્રાફીની સીડી અને સભ્યોની હાજરીપત્રકની નકલની માંગ કરી હતી.

વર્ષ ૨૦૧૫માં પાટણ જિ.પં. કોંગ્રેસે કબજે કરી હતી

પાટણ જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં ૩૨ પૈકી ૨૨ સદસ્યોએ જીત મેળવી કોંગ્રેસે સત્તા કબજે કરી હતી. પરંતુ બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થતા કોંગ્રેસના ૮ સભ્યોએ બળવો કરી ભાજપના ૧૦ સભ્યોના ટેકાથી સત્તા મેળવી હતી. જોકે ત્યારબાદ ભાજપ સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસના બે સભ્યોએ તાજેતરમાં ઘરવાપસી કરતાં સત્તાધારી પાંખ લઘુમતીમાં મુકાઈ છે.

હવે ૧૭મી નવેમ્બરે સાધારણ સભા મળશે

સત્તાધારી ભાજપના જ બે સભ્યો વચ્ચે સર્જાયેલી ઉગ્ર તકરાર બાદ પ્રમુખે એકાએક જ પાટણ જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે આ સાધારણ સભા આગામી ૧૭મી નવેમ્બરને શનિવારના રોજ યોજાનાર છે. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

Tags :