ખેડૂતે ટેન્કર દીઠ રૃ.પ૦૦ નો ખર્ચ કરી પાકને બચાવ્યો
ચાણસ્મા તાલુકાના ખેડૂતે પાકને બચાવવા પાણીના ટેન્કરો મંગાવ્યા
સરકારની પાણી આપવાની જાહેરાત બાદ પણ પાણી ન આવતા પાક બળવાની સ્થિતિ
ચાણસ્મા,
તા.૭ ડિસેમ્બર, ૨૦૧૮, શુક્રવાર
ચાણસ્મા તાલુકામાં અપુરતા વરસાદને કારણે તાલુકાને રાજ્ય સરકાર
દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. સરકારે ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા, રોજગારી, ખેતી માટે વીજ પુરવઠો
તેમજ નર્મદા કેનાલમાંથી સિચાઈ માટે પાણી આપવાની કચેરી જાહેરાતો માત્ર કાગળ ઉપર પુરવાર
થઈ રહી છે. સમગ્ર રાજયમાં પીવાના પાણીનુ ટેન્કરરાજ હવે પુરૃ થઈ ગયુ છે તેવી સરકારની
ખોટી જાહેરાતને ઉજાગર કરવા ચાણસ્મા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેતરમાં નિષ્ફળ જતો એરંડાનો
પાક બચાવવા ટેન્કર દ્વારા પાણી પુરૃ પાડવાનો અનોખો પ્રયોગ હાથ ધરી રાજય સરકારના બહેરાકાન
ઉઘાડવા આ દાખલો બેસાડયો છે.
ચાણસ્માના ખેડૂત ધર્મેન્દ્રભાઈ ઈશ્વરલાલ પટેલે કારોડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પોતાની માલીકીના ૩ વિઘા ખેતરમાં ચાલુસાલે ચોમાસાની ઋતુમાં એરંડાના પાકનુ વાવેતર કર્યુ હતુ. જે વાવેતર પાછળ ખેડ, ખાતર, બિયારણ અને પાણી માટે મોટી રકમનો ખર્ચ કર્યો હતો.
પરંતુ ખોરસમ, મકતુપુર લીફટ ઈરીગેશનથી નર્મદાની કેનાલનુ પાણી પોતાના ખેતર સુધી ન પહોચતા આ ખેડૂતે એરંડાનો પાક બચાવવા પ્રાઈવેટ બોર ઉપરથી ટેન્કર મારફતે પાણી ભરી લાવી એરંડાના પાકને આપવાનુ શરૃ કર્યુ હતુ. આ ખેડુતના જણાવ્યા મુજબ એક વિઘા એરંડાના પાક માટે પાણીના એક ટેન્કર પાછળ રૃ.પ૦૦ નો ખર્ચ કરવાની નોબત આવી છે.
એક વિઘા એરંડાના પાકને બચાવવ ામાટે અંદાજીત ૩૦ ટેન્કર પાણીની જરૃરીયાત ઉભી થશે અને તેની પાછળ રૃ.૧પ હજાર જેટલો ખર્ચ થનાર છે અને ૩ વિઘા માં પીયત કરવા પાછળ રૃ.૪પ૦૦૦ જેટલો ખર્ચ કરવાની ગણતરી સાથે મે ભાડેથી ટેન્કર લાવી એરંડાના પાકને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ખેડૂતને પુછતા જણાવ્યુ હતુ કે નઘરોળ
સરકારી તંત્રના કાને આ વાત સંભળાય અને એકાદ અઠવાડીયામાં ખોરસમ કેનાલમાં પાણી છોડવામાં
આવે તો મારા પાકને ચાવી શકાય તેમ છે.