વારાહીમાં સરકારે ફાળવેલા મીઠાનો જથ્થો બારોબાર ફેંકી દીધો
- ગરીબ પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરી સરકાર દ્વારા આયોડીનયુક્ત મીઠું વિતરણ કરવાની યોજનાનો ફીયાસ્કો
રાધનપુર,તા.27 જૂન 2020, શનિવાર
સાંતલપુર તાલુકામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો માટે સસ્તા અનાજની દુકાનમાં ફાળવવામાં આવેલ અનાજનો જથ્થો લોકો સુધી પુરતો ના પહોંચતો હોવાની બૂમ રાડો વચ્ચે સરકારી આયોડીનયુક્ત મીઠાનો જથ્થો ગોડાઉન મેનેજર દ્વારા ફેકી દેવામાં આવતા સરકારી યોજનાઓનો અમલ માત્ર કાગળ પર જ થતો હોવાનું જણાઈ રહ્યું છે.
સાંતલપુર તાલુકા મથક વારાહી ખાતે આવેલ સરકારી પુરવઠા ગોડાઉનના પાછળના ભાગે બાવળોની ઝાડીમાં ગોડાઉન મેનેજર દ્વારા ૨૦૦ જેટલા સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આયોડીનયુક્ત મીઠાની બોરીઓ ફેકી દેવામાં આવી હતી. ગરીબઅને મધ્યમ પરિવારોના સ્વાસ્થ્યની ચિંતા કરી આયોડીનયુક્ત મીઠું આવા પરિવારોના ઘરોમાં પહોંચતું કરવા સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવે તેવી યોજના બનાવવામાં આવેલ છે. પરંતુ સાંતલપુર તાલુકામાં આયોડીનયુક્ત મીઠું લોકોના ઘરોમાં પહોંચવાની જગ્યાએ સરકારી મીઠાના ૨૦૦ જેટલી બોરીઓ ગોડાઉનના પાછળના ભાગે બાવળોની ઝાડીમાં ફેંકવામાં આવી હતી. ગોડાઉન પાછળ ફેંકવામાં આવેલ મીઠાની બોરીઓ પર કટપર સ્ટેટ ઓફ ગુજરાતનો માર્કો મારેલો જોવા મળતો હતો. જ્યારે બોરીની અંદર મીઠાનો જથ્થો હોવાનું જણાતંી હતું. સાંતલપુર તાલુકાની અભણ અને ભોળી પ્રજાને એ પણ ખબર નથી કે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ઉપર કેટલો અનાજનો જથ્થો મળે છે. અહીંના સંચાલકો દ્વારા જે અનાજનો જથ્થો આપવામાં આવે તે લોકો દ્વારા લઈ લેવામાં આવતો હોય છે. જ્યારે અનાજ સાથે એકકિલો મીઠાની થેલીઓ અગાઉ સરકાર દ્વારા આપવામાં આવતી હતી. પરંતુ આ વખતે મીઠાની બોરીઓ આવતા સંચાલકોને મીઠું જોખવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવવા મીઠાનો જથ્થો લીધો ના હોવાનું અને તેનો બારોબાર ગોડાઉન મેનેજર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હોવાના કારણે આયોડીનયુક્ત મીઠું લોકોના ઘરે પહોંચાડવાની સરકારી યોજનાનો તાલુકામાં ફિયાસ્કો થયેલો જોવા મળતો હતો.