રાધનપુરના સાતુન ગામે મહાદેવજીના મંદિરની દાન પેટીમાંથી દસ હજારની ચોરી
- દર્શન કરવાના બહાને આવેલ યુવાન ચોરી કરતો મંદિરના સીસીટીવીમાં દેખાયો
રાધનપુર તા.13 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
રાધનપુર તાલુકાના સાતુન ખાતે આવેલ મહાદેવજીના મંદિરમાં દર્શન કરવા આવેલા યુવાને દાન પેટીનું લોકો ખોલી અંદર થી રૃપિયા દસેક હજારની ચોરી કરી ફરાર થઇ જવા પામ્યો હતો. દાન પેટીમાં થી ચોરી કરતો યુવાન મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં દેખાયો હતો.
સાતુન ગામે આવેલ પ્રસીધ્ધ હનુમાન મંદિરના પ્રટાંગણમાં આવેલ મહાદેવજીના મંદિરમાં તા.૧૧ મી સપ્ટેમ્બરના સાંજે છ વાગ્યે એક અજાણ્યો યુવાન મંદિરમાં દર્શન કરવા જાય છે. આ યુવાને મંદિર અંદર પ્રવેશ કરીને આજુ બાજુમાં જોઇ મંદિરનો એક દરવાજો આડો કરી અંદર રાખવામાં આવેલ દાન પેટી આડી પાડી તેનું લોક ખોલી અંદર રહેલ રૃપિયાની ચોરી કરી દાન પેટી આડી મુકી ફરાર થઇ ગયો હતો. મંદિરમાં પુજારી આરતી કરવા આવે છે. ત્યારે દાન પેટી આડી પડેલી જોતા પુજારીને દાન પેટીમાંથી ચોરી થયાનું માલુમ પડતા ગામના લોકોને જાણ કરે છે. ગામ લોકો દ્વારા મંદિરમાં જઇને તપાસ કરતા દાન પેટમાંથી રૃપીયા ૧૦,૦૦૦ હજારની ચોરી થયાનું માલુમ પડયું હતું. ગામ લોકોએ મંદિરમાં લગાવેલ સીસીટીવી ચેક કરતા અજાણ્યો યુવાન મંદિરમાં રાખેલ દાન પેટીમાંથી રૃપિયા ચોરી કરતો નજરે પડતા ગામના કમાભાઇ ધનાભાઇ નાડોદાએ આ બાબતે રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.