રાધનપુરમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના શ્રમિકોની ઘર વાપસી માટે તંત્રની ઉદાસીનતા
- 203 શ્રમિકોમાંથી માત્ર 8 શ્રમિકોને બસોમાં બેસાડી રાધનપુરથી રવાના કરાયાઃ બાકીના રામ ભરોષે
રાધનપુર,તા.15 મે 2020, શુક્રવાર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા અને શહેરમાં વસતા ઉત્તર પ્રદેશના શ્રમિકોને ઘર વાપસી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચારેક દિવસ અગાઉ તમામ શ્રમિકોને રવાના કરવાની પૂર્ણ તૈયારી બાદ ટ્રેન રદ્દ થયા બાદ આ તમામ શ્રમિકો પોતાના વતન જવા સરકારી કચેરીના ધક્કે ચડાય છે પરંતુ તેમની કોઈ જ વાત સાંભળવામાં આવતી નથી. જ્યારે આજે માત્ર બે જિલ્લાના ૮ શ્રમિકોને ઘર વાપસી માટે બસોમાં બેસાડીને રવાના કરવામાં આવતા બાકી રહેલા શ્રમિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
રાધનપુર તાલુકા અને શહેરમાં વસતા ઉત્તર પ્રદેશના શ્રમિકોને લોકડાઉન બાદધંધા-રોજગાર સંપૂર્ણ બંધ થતા બેરોજગારી અને ભુખમરાથી કંટાળેલા શ્રમિકોને ઘર વાપસી માટે સ્થાનીક કચેરીઓમાં લેખીત રજૂઆતો કરી હતી. રાધનપુર શહેર અને તાલુકામાં વસતા ઉત્તર પ્રદેશના કુલ ૨૦૩ લોકોએ પોતાના ઘરે પરત જવા સરકારી આદેશ અનુસાર કાગોળ કર્યા હતા. આ તમામ શ્રમિકોને ઉત્તર પ્રદેશ મોકલવા માટે સરકારી કચેરી દ્વારા ૫૨૫ રૃપિયા ભાડૂ પણ લેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ ટ્રેન રદ્દ થતા તમામ શ્રમિકો અટવાયા હતા. આજે ચારેક દિવસ બાદ પણ આ શ્રમિકો માટે કોઈ જ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા લગભગ ૫૦થી વધુ શ્રમિકો ઘર વાપસીની રજૂઆત લઈને સરકારી કચેરીમાં ગયા હતા. પરંતુ ઉપરથી મંજૂરી નથી તેવું જણાવીને શ્રમિકોની મદદકરવા સ્થાનિક તંત્રએ કોઈ જતૈયારી દર્શાવી ન હતી.
જ્યારે ઉત્તર પ્રદેશના બદાયુ અને બરેલી જિલ્લાના રાધનપુરમાં વસતા માત્ર ૮ લોકોને વતન જવાની મંજૂરી મળી હોવાને કારણે આઠલોકોને બસોમાં બેસાડીને પાલનપુર રવાના કરવામાં આવતા બાકી રહેલા શ્રમિકોમાં આશ્ચર્ય સાથે સ્થાનીક તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો. પોતાના વતન જવા માંગતા શ્રમિકોના જણાવ્યાનુસાર અમો જાલૌન, ઝાંસી અને ઓરાઈયા જિલ્લાના છીએ અમોએ ૨૫ દિવસ અગાઉ મામલતદારકચેરી ખાતે તમામના નામો સાથેનુ લીસ્ટ આપેલું છે. જ્યારે નાયબ કલેક્ટર સમક્ષ ત્રણેક વખત રજૂઆતો કરવા ગયા હતા તેમને પણ ઉપરથી મંજૂરી આવશે ત્યારે જાણ કરીશું તેવું જણાવ્યું હતું. પરંતુ આજસુધી અમોને કોઈ જ જાણકરવામાં આવી નથી અને અત્યારે અમારા ધંધા-રોજગાર બંધ હોવાને કારણે ખાવા પીવાની અને રહેવાની તકલીફ પડે છે.
જ્યારે ઉત્તર પ્રદેશના પવન કુમારે જણાવ્યું હતુંકે અમોએ રાધનપુરથી સેકન્ડ બાઈક ખરીદ્યું હતું અને બાઈક પર વતન જવા નીકળ્યા હતા પરંતુ રાજસ્થાન બોર્ડર ઉપર અમોને રોક્યા હતા અનેપરત મોકલતા બાઈકનો ખર્ચ માથે પડયો હતો. ઉદયવીરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૦ દિવસથી સરકારી કચેરીઓના ધખ્ખા ખાઈ રહ્યા છીએ પરંતુ અમારી વાત કોઈ જ સાંભળતું નથી.જ્યારે આજે અમોએ સ્થાનિક ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને મદદ માટે ફોન કરેલો પરંતુ તેમને પણ અમારો ફોન ઉપાડયો ના હતો. અમોને કોઈપણ હિસાબે અમારા ઘેર મોકલવામાં આવેતેવી માંગ શ્રમિકોએ કરી હતી.