લોકડાઉનનો ભંગ કરતા કસ્ટડીમાં પુર્યોઃ છુટતાંવેંત જ યુવકનું શંકાસ્પદ મોત
- સાંતલપુર તાલુકાના લોકડાઉનના ભંગ બદલ વારાહી પોલીસે ૫ યુવાનોની અટકાયત કરી હતી
- પરિવારે પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો, પરિસ્થિતિ વણસતા ડીવાયએસપીએ દફન કરાયેલી લાશને બહાર કાઢી પીએમ કરાવ્યું
રાધનપુર, તા. 03 એપ્રિલ 2020, શુક્રવાર
સાંતલપુર તાલુકામાં લોકડાઉનના ભંગ બદલ વારાહી પોલીસ દ્વારા ૫ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાંથી છોડવામાં આવેલ પાંચ યુવાનો પૈકી એક યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવકના મોત મામલે પોલીસ પર આક્ષેપ કરવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષક અને નાયબ મામલતદારની હાજરીમાં દફન કરેલ યુવાનની લાશ બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવી હતી.
સાંતલપુર તાલુકાના ગઢા ગામે તા. ૩૦મી માર્ચના રોજ વારાહી પોલીસ તપાસઅર્થે ગઈ હતી તે દરમિયાન લોકડાઉન હોવા છતાં બસ સ્ટેશન નજીક જાહેર માર્ગ પર લોકોનું ટોળું જોવા મળ્યું હતું. ટોળું વળીને બેઠેલ પાંચેય યુવાનો સામે વારાહી પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને પાંચેય યુવાનોને વારાહી પોલીસ કસ્ટડીમાં પુર્યા હતા. જેમાં ગઢા ગામના રાવળ મહેશભાઈ ઈશ્વરભાઈની તબીયત લથડી હતી. જ્યારે પોલીસે પાંચેય યુવાનોને છોડી મુકતા રાવળ મહેશ ઘેર ગયો હતો. જ્યાં તેને ઉલટીઓ શરૃ થઈ હતી અને તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો. પરંતુ રાત્રે તેનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની લાશને વાલીઓ દ્વારા ગઢા ગામે દફનવિધિ કરવામાં આવી હતી.
પોલીસ કસ્ટડીમાંથી છુટયા બાદ યુવકનું શંકાસ્પદ મોત નીપજતા વારાહી પોલીસ દ્વારા કસ્ટડીમાં મહેશને માર મારવામાં આવ્યો હોવાથ મોત થયું હોવાનું યુવકના વાલીઓએ આક્ષેપ કર્યા હતા અને મૃતક યુવકની લાશનું પીએમ કરાવવા માંગ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે તા. ૨જી એપ્રિલની સાંજે રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક વાઘેલા, નાયબ મામલતદાર સહિતના લોકો ગઢા ગામે પહોંચ્યા હતા અને ગામના આગેવાનો અને મૃતક યુવકના વાલીઓની હાજરીમાં દફન કરેલ મહેશની લાશને બહાર કાઢી વારાહી ખાતે આવેલ સરકારી દવાખાનામાં પીએમ માટે મોકલવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના બાબતે યુવકના સગાએ જણાવ્યુ ંહતું કે તેની માતાની બજારમાં દવા લેવા ગયેલ. બજારમાં દવા ના મળતા પરત ઘેર આવેલ મહેશને પોલીસ દ્વારા ઘરમાંથી પકડીને વારાહી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો અને રાત્રે કસ્ટડીમાં રાખીને સવારે પોલીસે યુવકના ભાઈને ફોન કરીને છોડાવીને લઈ જવા જાણ કરતા તેને પોલીસ સ્ટેશનેથી છોડાવવામાં આવ્યો હતો. પોલીસ કસ્ટડીમાંથી છોડયા બાદ તેની તબીયત લથડતા તેને સારવાર માટે લઈ જવામાં આવેલ. પરંતુ રાત્રે તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને તપાસ થવી જોઈએ તેવું યુવકના સગાએ જણાવ્યું હતું.
જ્યારે મૃતકના ભાઈ નીરુભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઈ મહેશને પોલીસ પકડીને લઈ ગઈ હતી અને તેને બીજા દિવસે છોડાવીને હું લાવ્યો હતો. ઘરે આવ્યા બાદ મારા ભાઈએ પેટમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી અને પોલીસે તેને માર માર્યો હોવાની વાત અમોને કરી હતી. તેને દવાખાને સારવારઅર્થે લાવેલ અને રાત્રે તેનું મોત નીપજ્યું હતું. મારા ભાઈ મહેશના જણાવ્યાનુસાર તેને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેને લઈને તેનું મોત નીપજ્યું હોવાની અમોને શંકા જતા આ બાબતે યોગ્ય તપાસ થવા મૃતકના ભાઈએ માંગ કરી હતી.
નાયબ પોલીસ અધિક્ષક શું કહે છે ?
ગઢા ગામનો મહેશભાઈ રાવળ ઉ.વ. ૨૧ નામના યુવકનું મોત થતા તેના પરિવારના લોકોએ દફનવિધિ કરી નાખી હતી. મરણ ગયેલ યુવાનના મોત બાબતે પોલીસને જાણ કરવામાં આવી ના હતી અને તેનું પીએમ કરાવ્યા વગર દફનવિધિ કર્યાની જાણ થતા ગઢા ગામે આવીને મૃતકના યુવાનની લાશ બહાર કઢાવી પી.એમ. માટે મોકલી આપી છે. યુવકના મૃત્યુ પાછળ જો કોઈ જવાબદાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું નાયબ પોલીસ અધિક્ષક એચ.કે. વાઘેલએ જણાવ્યું હતું.