આજથી સાત દિવસીય કાત્યોકના પરંપરાગત મેળાનો પ્રારંભ
- સિદ્ધપુર સરસ્વતી નદીના તટમાં
- કારતક સુદ-14ની મધ્યરાત્રીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીમાં ત્રિવેણી સંગમ
સિદ્ધપુર,તા. 9 નવેમ્બર 2019, શનિવાર
પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કાંઠે ભારત ભાતીગણ લોકમેળો એટલે કાર્તિકી પૂર્ણિમાનો સાત દિવસીય મેળાનો આજથી પરંપરાગત રીતે પ્રારંભ થતાની સાથે જ નગરપાલિકા તેમજ વહિવટીતંત્ર કામે લાગી ગયા છે. જેમાં લોકોને સહેલાઈથી દરેક પ્રકારની સુવિધા સાથે કોઈ અગવડતા ના પડે તેવી રીતે કામગીરી થાય તે માટે જરૃરી પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
પાટણના સિદ્ધપુર ખાતે કારતક સુદ-૧૪ની મધ્યરાત્રિએ ગંગા, યમુના અને સરસ્વતી નદીનું ત્રિવેણી સંગમ થતા હોવાનો અને તેમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. પરંતુ નદીમાં પાણી ન હોવાના કારણે શ્રધ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સાથે સાથે નદીમાં પાણી આવે તેવી માંગ પણ છે. આ દરમિયાન વિવિધ જ્ઞાાતિના લોકો તર્પણ વિધિ માટે આવે છે. ત્યારે આ મેળામાં વિવિધ જાતની ચકડોળો, ચકરડીઓ મોતનો કુવો સહિત મનોરંજનના સાધનો આવી પહોંચ્યા છે. આ લોકમેળામાં સાત દિવસ મેળામાં મનોરંજન સિવાય પણ નાની-મોટી ઘરવખરી અને રોજની વપરાશની ચીજવસ્તુઓનું બજાર ભરાય છે. બજારમાં મંડી બજારથી નદી સુધી તેમજ અશોક સિનેમાથી નદી સુધીના રસ્તામાં વિવિધ ચીજવસ્તુઓની હાટડીઓ મંડાય છે. જ્યાં આ મેળામાં મોટા પ્રમાણમાં શેરડીનું વેચાણ તેમજ નદીના પટમાં જાતવાન ઘોડા અને મુખ્યવાન ઊંટોની પણ મોટાપાયે લે-વેચ થાય છે.
મેળામાં પોલીસની બાજનજર
પાટણ જિલ્લામાં ભરાતા ભાતીગણ મેળામાં આવતા લોકો તેમજ કુટુંબ પરિવાર તેમજ નાના બાળકો મેળાને શાંતિથી મળી અને આનંદ કરાવી શકે તે માટે તેમજ મેળામાં નાના વેપારીઓ વેપાર કરવા આવતા તેમની પાસેથી આવા તત્વો હપ્તાખોરી ન કરે તે માટે તંત્ર તેમજ પોલીસને બાજ નજર રાખવી જરૃરી છે.
સુરક્ષા સારૃ તંત્ર દ્વારા તકેદારીના પગલાં
ગુજરાતમાં છેલ્લે કેટલાક સમય દરમિયાનમાં ચકડોળો અકસ્માતોના કિસ્સાઓ બન્યા છે. જેમાં કેટલાકના જીવો પણ ગયા છે. જેથી આવા મેળામાં મનોરંજનના સાધનો કેટલીક વાર અસુરક્ષિત રીતે ઉભા કરવામાં આવતા હોવાથી અકસ્માતોના બનાવો બને છે. જાનહાની થવા પામે છે જેથી આવા સાધનો તપાસ્યા બાદ જ સરકારી તંત્ર દ્વારા પ્રમાણપત્ર આપવા જોઈએ તેમજ નગરપાલિકા અને તંત્ર દ્વારા જે મનોરંજનના સાધનોના ટિકીટ દર નક્કી કરવામાં આવ્યા છે તેની લૂંટ ન થાય તે માટે નક્કી કરેલા મનોરંજન દર મેળામાં આવતા પહેલા મેનગેટમાં મોટા અક્ષરોથી લગાવવામાં આવે જેથી લોકો લૂંટાય નહી.
રોજ એક લાખથી વધુ લોકો આવવાની સંભાવના
સિદ્ધપુરમાં ભરાતા ભાતીગણ મેળો ૧૦-૧૧-૧૯થી ૧૬-૧૧-૧૯ સુધી સાત દિવસ ભરાશે. તેમજ દરેક દિવસે એક લાખથી વધુ લોકો મેળામાં આવવાની સંભાવના છે.