પાટણમાં કોરોનાનો કેર: એક સાથે વધુ 11 પોઝિટીવ કેસ, કોરોનાગ્રસ્ત યુવકનું મોત
- મહિલા તબીબ અને બે આરોગ્ય કર્મી સપડાયા, કુલ મૃત્યુ આંક 4 પર પહોંચ્યો
- પાટણ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 66 થઇઃ શંખેશ્વરમાં કોરોના વાયરસની એન્ટ્રી
પાલનપુર તા.20 મે 2020, બુધવાર
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ઉભરો આવ્યો હોય તેમ એક બાદ એક સામે આવી રહ્યા છે. જેમાં બુધવારે એકસાથે કુલ ૧૧ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે એક દર્દીનું મોત નિપજતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બુધવાર બપોરે પાટણ શહેર-તાલુકામાં ૬, સમી તાલુકામાં ૨, શંખેશ્વર તાલુકામાં ૨ તેમજ સરસ્વતી તાલુકામાં ૧ મળી કુલ ૮ મહિલા તેમજ ૩ પુરૃષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પોઝિટીવ આવનાર દર્દીઓના પરિવારના તમામ સભ્યોને કોરોન્ટાઇન કરી સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા પાટણ જિલ્લાને હાલમાં ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યો છે. અને કેટલીક છુટછાટ પણ આપવામાં આવી છે. પરંતુ દિન-પ્રતિદિન જિલ્લામાં નોંધાતા પોઝિટીવ કેસોને પગલે હવે જિલ્લો રેડઝોનમાં જઇ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં સવારે એક સાથે ૮ મહિલા તેમજ ૩ પુરૃષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો છે. જેમાં સમી તાલુકાના નાની ચંદેર ગામની ૬૦ વર્ષીય અને ૬૮ વર્ષીય બે મહિલાઓ દિલ્હીથી સમી ખાતે આવી હતી. જેમાં તાવની તકલીફ જણાતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે શંખેશ્વર શહેરની ૧૮ વર્ષીય યુવતી સુરત ખાતેથી તેમજ શંખેશ્વર તાલુકાના પાડલા ગામની ૧૬ વર્ષીય યુવતી દિલ્હી ખાતેથી આવ્યા હોવાથી તેમના સેમ્પલ લેવામાં આવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૩ વર્ષીય મહિલા ડોકટર જ્યારે ૨૯ વર્ષીય મહિલા નર્સ અને ૨૯ વર્ષીય પુરૃષ નર્સ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તો પાટણ શહેરમાં ગીતાજલી સોસાયટીની ૨૫ વર્ષીય મહિલાને માથાનો દુખાવો થતા સેમ્પલ લેવામાં આવતા રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે મીરાપાર્ક સોસાયટીમાં ૨૩ વર્ષીય પોઝિટીવ યુવક અગાઉ નોંધાયેલ પોઝિટીવ કેસનો ક્લોઝ કોન્ટેકટ વાળુ સભ્ય હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સરસ્વતીના કાતરામાં ૩૫ વર્ષીય મહિલાને શરદી ખાંસીની તકલીફ જણાતા સેમ્પલ લેવામાં આવતા રિપોર્ટ પોજિટીવ આવ્યો હતો. જેને લઇ જિલ્લામાં કુલ પોઝિટીવ આંક ૬૬ પર પહોંચી ગયો છે. જોકે બુધવારે ગત તા.૧૬મેના રોજ પાટણ શહેરમાં શાકભાજીનો હોલસેલ વેપાર કરતા અને મીરાપાર્ક સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય પુરૃષનું કોરોનાથી મોત નીપજ્યું હતું. જેને લઇ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૪ પર પહોંચી ગયો છે.
પાટણમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જેમાં પાટણ શહેરમાં શાકભાજીનો હોલસેલનો વેપાર કરતા અને મીરાપાર્ક સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય યુવકનો ગત ૧૬ તારીખે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં ચાર દિવસ બાદ બુધવારે ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઇ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૪ પર પહોંચી ગયો છે.
પાટણ જિલ્લામાં કુલ આઠ તાલુકા કોરોનાથી પ્રભાવિત
પાટણ જિલ્લામાં અત્યાર સુધી સૌપ્રથમ સિધ્ધપુર ત્યારબાદ, સરસ્વતી, ચાણસ્મા,હારીજ, પાટણ, સમી, રાધનપુર બાદ વધુ નવા શંખેશ્વર તાલુકામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જિલ્લામાં બુધવારે એકસાથે ૧૧ પોઝિટીવ કેસ નોંધાતા કુલ આંક ૬૬ પર પહોંચી ગયો છે.
જિલ્લામાં એકસાથે 11 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં બુધવારે એક સાથે ૧૧ કેસ નોંધાયા હતા. જેમાં પાટણ શહેરમાં ગીતાજલી સોસાયટી ૧, સારથી સ્ટેટ્સ ૧ અને મીરાપાર્ક સોસાયટી ૧ તો ધારપુર હોસ્પિટલમાં ૩ સ્ટાફ નર્સ, સમીના નાની ચંદુર ૨, શંખેશ્વર શહેર અને તાલુકામાં ૨, સરસ્વતી કાતરામાં ૧ મળી કુલ ૧૧ કેસ સાથે પોઝિટીવ આંક ૬૬ પર પહોંચી ગયો છે.
ધારપુરમાં એક ડોકટર તેમજ મહિલા અને પુરૃષ નર્સ સંક્રમણનો ભોગ બન્યા
પાટણ જિલ્લામાં બુધવારે ૧૧ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ૨૩ વર્ષીય મહિલા ડોકટર, ૨૯ વર્ષીય મહિલા તેમજ ૨૯ વર્ષીય યુવક કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં અગાઉ પણ બે નર્સ સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. આમ કુલ ચાર નર્સ અને એક ડોકટર અત્યાર સુધી કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.
પાટણ જિલ્લામાં પ્રથમવાર સૌથી નાની ઉંમરની યુવતી કોરોનામાં સપડાઇ
પાટણ જિલ્લામાં બુધવારે એકસાથે નોંધાયેલ ૧૧ કેસમાં બે નાની ઉંમરની છોકરીઓ કોરોનામાં ભોગ બની છે. જેમાં શંખેશ્વર તાલુકાના પાડલા ગામની ૧૬ વર્ષીય સગીરા દિલ્હીથી શંખેશ્વર તેમજ શંખેશ્વરની ૧૮ વર્ષીય સગીરા સુરતથી શંખેશ્વર આવી કોરોનામાં ભોગ બનતા ચકચાર મચી ગઇ છે. જેથી પાટણ જિલ્લામાં સૌથી નાની ઉંમરનો આ પ્રથમ કેસ નોંધાયો છે.