સિધ્ધપુરમાં ચક્કર આવતાં યુવાન પટકાયો, હાથલારીમાં હોસ્પિટલ પહોંચાડાતા મોત
- લોકડાઉનના કારણે વાહન ન મળતાં
- બિલિયાના રહેવાસી સિધ્ધપુર કામ અર્થે આવ્યા હતા, આસપાસના યુવાનોએ જીવ બચાવવા કરેલી મહેનત એળે ગઈ
સિધ્ધપુર, તા. 27
માર્ચ 2020, શુક્રવાર
સિધ્ધપુરમાં લોકડાઉનના કારણે બધું બંધ હોવાથી કોઈપણ ગાડી
ન મળતા કેટલાક સ્થાનિક યુવાનોએ ઘાયલ યુવકને હાથલારીમાં તો હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ
સમયસર ન પહોંચતા તેનું મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
કોરોનાની મહામારીમાં સમગ્ર રાજ્ય ભયના માહોલ વચ્ચે
જીવી રહ્યો છે. જેમાં ૨૧ દિવસનું લોકડાઉન હોવાથી સમગ્ર રાજ્ય સહિત સિધ્ધપુરમાં પણ
કરફ્યુ લાગ્યો છે. જેમાં આવશ્યક વસ્તુઓ
સિવાયની તમામ દુકાનો તેમજ ગાડીઓનું પરિવહન બંધ છે તેમાં આજરોજ રૃંવાટા ઉભા કરી દે
એવી ઘટના બનવા પામી હતી. જેમાં બિલિયાના એક રહેવાસી પટેલ જયંતીભાઈ જોઈતાભાઈનાઓ
સિધ્ધપુર ખાતે કોઈ કામ અર્થે આવ્યા હતા. જેમાં બસ સ્ટેન્ડ પાસે કોઈક કારણસર પડી
જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમાં કેટલાક લોકોએ ગાડી માટે આજુબાજુ
ફાંફા માર્યા હતા. પરંતુ લોકડાઉનના કારણે કોઈપણ ગાડી દેખાઈ ન હતી. જેથી ત્યાંના
સ્થાનિક લોકો દ્વારા ઘાયલ જયંતીભાઈને હાથલારીમાં સુવડાવી તાત્કાલિક તેમને
હાથલારીને દોડતા દોડતા ધકેલતા સિધ્ધપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવારઅર્થે લાવવામાં
આવ્યા હતા. પરંતુ લોકડાઉનના કારણે કોઈપણ ગાડી ન મલતા અને સમયસર હોસ્પિટલ ખાતે ન
પહોંચતા તેમનું હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું.