Get The App

ચોરી ઉપર સે સીના જોરીઃ હોમ ક્વોરોન્ટાઈ યુવાને કર્યો આરોગ્ય ટીમ પર હૂમલો

- રાધનપુરના મેમદાવાદમાં ધાર્મિક કાર્યક્રમથી પરત આવેલા લોકોની દાદાગીરી!

- આરોગ્ય કર્મચારીઓનું સન્માન થવું જોઈએ તેના બદલે તેમના ધમકી આપનારા સામે સમગ્ર પંથકમાં ફીટકાર સાથે રોષ

Updated: Apr 3rd, 2020

GS TEAM

Google News
Google News
ચોરી ઉપર સે સીના જોરીઃ હોમ ક્વોરોન્ટાઈ યુવાને કર્યો આરોગ્ય ટીમ પર હૂમલો 1 - image

રાધનપુર, તા. 02 એપ્રિલ 2020, ગુરૂવાર

ધાર્મિક કાર્યક્રમથી બસમાં પરત આવેલા રાધનપુર તાલુકાના ૮ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકાના મેમદાવાદ ખાતે હોમ ક્વોરન્ટાઈન કરેલા યુવાનની તપાસમાં ગયેલી આરોગ્ય ટીમને રોકાવી તેના પર હૂમલો કર્યો હતો. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીએ પોલીસને લેખીત ફરિયાદ આપી છે.

રાધનપુર ખાતે ૩૫ લોકોને લઈને જયપુરથી આવેલ લક્ઝરી બસમાંથી ઉતરેલા મેમદાવાદ ગામના ૩૦ વર્ષીય યુવાનને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. હોમ કોરોન્ટાઈન કરેલ યુવાનની તપાસ કરવા તાલુકાના બંધવડ પ્રા.આ. કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મી પ્રજાપતિ જીતેન્દ્રકુમાર ગાડી લઈને મેમદાવાદ જતા હતા ત્યારે મેમદાવાદ કેનાલ રોડની પાસે કેટલાક અજાણ્યા લોકો દ્વારા આરોગ્ય કર્મચારીની ગાડી રોકાવવામાં આવી હતી અને અમારા ગામમાં કોઈપણ વ્યક્તિ બહારથી આવેલ નથી અને તમે અહીંથી પરત જતા રહો તેવું ગાડી રોકાવનાર ઈસમોએ જણાવ્યું હતું ત્યારે આરોગ્ય કર્મચારીએ ગાડી રોકાવનાર ઈસમોને કયા ગામના છો તેવું પુછતાં ગાડી રોકાવનાર ઈસમો આક્રમક બન્યા હતા અને ઉંચા અવાજમાં તાડુકીને આરોગ્ય કર્મચારીને પાછા જતા રહો તેવું જણાવ્યું હતું અને જો મેમદાવાદ ગામમાં તપાસ કરવા ગયા તો પરિણામ સારું નહીં આવે તેવી ધમકી આપવામાં આવતા આરોગ્ય કર્મચારી ડરી ગયા હતા અને હોમ કોરોન્ટાઈન કરેલ ઈસમની તપાસ કર્યા વગર બંધવડ ખાતે પરત ફર્યા હતા.

આ સમગ્ર ઘટનાથી ભયભીત થયેલા આરોગ્ય કર્મચારીએ ઘટનાને દબાવવાની કોશિશ કરી હતી પરંતુ મેમદાવાદ ગામના કેટલાક લોકોને ઘટનાની જાણ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને આ બાબતે મેમદાવાદ ખાતેથી ચુંટાયેલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને આરોગ્ય કર્મચારીને ધમકી આપનાર સામે કાર્યવાહી થવા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હતી. જ્યારે આ ઘટના બાબતે તાલુકા આરોગ્ય અધિકારી આર.કે. સીંગે જણાવ્યું હતું કે અમોએ આ બાબતે પોલીસને મૌખિક જાણ કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ના હતી. જ્યારે આજે અમોએ આ બાબતે લેખિત જાણ પોલીસને કરી હોવાનું પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

આવા લોકોને પકડીને સીધા કરવા જોઈએઃ તા.પં.સદસ્ય

આજે વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓનું સન્માન થવું જોઈએ તેના બદલે આજે કેટલાક લોકો દ્વારા આરોગ્ય કર્મચારીઓને ધમકી આપવામાં આવી હોવાની બાબતે ખુબજ શરમજનક કહેવાય. આવા લોકોને પોલીસે તાત્કાલીક પકડીને સીધા કરવા જોઈએ તેવું તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું.

Tags :