સમી તાલુકાની રાફુ માયનોર કેનાલમાં 15 ફુટનું ગાબડું પડયું
કેનાલોમાં ભષ્ટાચારના ગાબડાનો સિલસિલો યથાવત
કેનાલ તૂટતા ખેતરમાં રહેતા પરિવારના ઝૂંપડામાં પાણી ઘુસી જતા પરિવાર ચિતિત
રાધનપુર,
તા. ૩૦ નવેમ્બર, ૨૦૧૮, શુક્રવાર
સમી તાલુકાના ભદ્રાડા અને ગાજદીન પુરા વચ્ચેથી પસાર થતી રાફુ
માઈનોર કેનાલમાં આજે વહેલી સવારે મસમોટું ગાબડું પડતાં કેનાલ નજીક વીસથી પચ્ચીસ વીઘા
જમીનમાં પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારે કેનાલમાં ગાબડું પડતાં ખેતરમાં ઝૂપડું વાળીને
રહેતા પરિવારના ઝૂંપડામાં પાણી પેસી જતા પરિવારની હાલત કફોડી બની હતી.
રાફુ માયનોર કેનાલમાં આજે વહેલી સવારે ભદ્રાડા અને ગાજદીનપુરા વચ્ચે મોટું ગાબડું પડયું હતું. કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી કેનાલ નજીક આવેલ ખેતરોમાં પહોંચ્યું હતું.
વહેલી સવાર હોવાને કારણે કેનાલ તૂટયાની ખબર પડે તે પહેલા વીસથી પચ્ચીસ વીઘા જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. કેનાલનું પાણી આવતા ખેતરમાં કરેલા જીરૃ, કપાસ, રાયડાનું વાવેતર બગડયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
જ્યારે કેનાલમાં પંદર ફૂટનું ગાબડું પડતા ભદ્રાડા ગામની
સીમમાં ખેતરમાં ઝૂંપડું વાળીને રહેતા ઠાકોર ભગવાનભાઈ વસાભાઈના ઝૂંપડામાં કેનાલનું પાણી
પેસી ગયું હતું. એકાએક ઝૂંપડામાં પામી આવતા ઝૂંપડામાં વસાવેલ રાચરચીલું પાણીમાં તરવા
લાગ્યું હતું. ઝૂંપડામાં પાણી આવતા ખેડૂત પરિવારની હાલત કફોડી બનવા પામી હતી.
રાફુ માયનોર કેનાલમાં ગાબડુ પડયા બાબતે નર્મદા નિગમના અધિકારીઓને
જાણ કરવામાં આવી છે. પરંતુ મોડે સુધી કેનાલનું સમારકામ નિગમ દ્વારા કરવામાં ના આવતા
કેનાલમાંથી પાણી નીકળતું અટકાવવા ખેડૂતોએ જાતે કામગીરી કરી હોવાનું ભદ્રાડાના ખેડૂતોએ
જણાવ્યું હતું.