ચાણસ્માનું રૂપપુર ગામ રાજ્યનું ડસ્ટ ફ્રી ગામ બનશેઃ ગામમાં બ્લોક પથરાયા
- હાઈટેક લાઈટીંગ, ગટર, રોડની બંને સાઈડ વૃક્ષારોપણ તેમજ ચોમેર લીલોતરી જોવા મળી રહી છે
ચાણસ્મા,તા.26 જુલાઈ 2019, શુક્રવાર
ચાણસ્મા તાલુકાનું રૃપપુર ગામ રાજ્યનું ડસ્ટ ફ્રી ગામ બનવા જઈ રહ્યું છે. ગામના વતની અને વ્યવસાયે બિલ્ડરે માતૃભૂમિનુ ઋણ અદા કરવા આખા ગામમાં પેવર બ્લોક પથરાવ્યા છે. જેને લઈ એક સમયે જ્યાં ધૂળ જોવા મળતી હતી ત્યાં આજ માત્ર સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે.
ચાણસ્માથી ત્રણ કિ.મી.ના અંતરે પાટણ રોડ પર આવેલું રૃપપુર ગામ નિરમાના ચેરમેન કરશન પટેલનું માદરે વતન છે. આ ગામમાં ભણીને મોટા બિલ્ડર બનેલા પી.એસ.પટેલે માતૃભૂમિનું ઋણ ચુકવવાના ઉદ્દેશથી ગામને રળીયામણું બનાવવાનો નિર્ધાર કર્યો છે. હાલ ગામમાં છેલ્લા ત્રણ માસથી બ્લોક પાથરવાનું કામ ચાલી રહ્યું છે. ગામના પ્રવેશદ્વારથી લઈને નાના-મોટા તમામ મહોલ્લામાં સિમેન્ટના બ્લોક પાથરવામાં આવી રહ્યા છે. જેના કારણે હાલ ગામમાં ક્યાંય ધૂળ જોવા મળતી નથી. આ સિવાય ગામમાં હાઈટેક લાઈટિંગ, ગટર વ્યવસ્થા અને રોડની બંને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવતાં ચોમેર લીલોતરી જોવા મળી રહી છે. આખા ગામમાં પેવર બ્લોક, લાઈટિંગ, વૃક્ષારોપણ સહિત ગામને સ્માર્ટ વિલેજ બનાવવા માટે અંદાજે દોઢથી બે કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જે તમામ ખર્ચ પ્રહલાદ એસ.પટેલ ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રહલાદ પટેલ પીએસપી પ્રોજેક્ટ લી. નામની કંપની ઊભી કરી અનેક હાઈટેક બિલ્ડીંગ બનાવી ચુક્યા છે. ખેડૂત કુટુંબમાં જન્મ થયા બાદ સિવિલ એન્જીનીયર તરીકે કારકિર્દી શરૃ કરી હતી.
ગામ સુંદર-સ્વચ્છ-સ્માર્ટ વિલેજ બન્યું
રૃપપુર ગામના મહિલા સરપંચ મધુબેન પ્રવિણચંદ્ર મહેતાએ જણાવ્યું કે, એન્જિનિયર પ્રહલાદ પટેલને ગામ પ્રત્યે પહેલેથી જ લગાવ છે. તેમણે ગામને આધુનિક અને વિકાસશીલ બનાવવા છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે. આજે ગામના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને સિકોતર માતાજીના મંદિર સુધી અને દરેક શેરી-મહોલ્લાને બ્લોક પાથરી સ્વચ્છતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે.
એકાદ મહિનામાં કામ પુરુ થઈ જશે
ગામની કાયાપલટ કરનાર પ્રહલાદ પટેલે જણાવ્યું કે બહુચરાજી નજીકના શંખલપુર ગામેથી પસાર થતાં એક દ્રશ્ય જોઈ વિચાર આવ્યો કે મારા ગામમાં પણ પેવર પ્લોક પાથરી દઉ. આથી છેલ્લા બે મહિનાથી કામગીરી ચાલુ હોવાથી આઘઆણઈ એક મહિનામાં તે પૂર્ણ થઈ જશે.