રાધનપુર: માત્ર એક બેડું પાણી ભરવા માટે મહિલાઓની 2 કિ.મી. સુધીની સફર
- લોટીયા અને ઠીકરીયા ગામમાં તરસ્યા લોકો
- ઉનાળાના ધોમધખતા તાપમાં પીવાનું પાણી મેળવવા માથે બેડાં ઉપાડી મહિલાઓની રઝળપાટ
રાધનપુર,તા.06 મે 2020, બુધવાર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાક ગામોમાં બે માસથી પાણીની ભયંકર તકલીફ ઉભી થવા પામી છે. ઉનાળામાં તાલુકાના અંતરીયાળ ગામોમાં પીવાના પાણીનું એક બેડું ભરવા બે કિલોમીટર સુધી મહિલાઓને માથે બેડા ઉપાડીને રઝળપાટ કરવી પડી રહી છે. પાણીની સમસ્યા ભોગવતા ગામના લોકો દ્વારા આ બાબતે રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી હાથ ધરવામાં ના આવતા કેટલાક ગામોમાં પાણીના પોકાર પડવા લાગ્યા છે.
રાધનુપર તાલુકાના લોટીયા ગામમાં છેલ્લા બે માસથી પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. ગામમાં ઊંચી ટાંકી અને સંપ પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવેલ છે. પરંતુ અહી સંપમાં પાણી પુરુ આવતું ના હોવાને કારણે લગભગ ૧૫૦૦ની વસ્તી ધરાવતા ગામના લોકોને પુરતું પીવાનું પાણી પણ મળી રહેતું નથી. જ્યારે ગામના લોકોને પાણી ભરવા બનાવવામાં આવેલ સ્ટેન્ડ પોસ્ટ પર વહેલી સવારથી મહિલાઓ પાણી ભરવા વાસણો મુકીને લાઈન લગાવે છે. પરંતુ સ્ટેન્ડ પોસ્ટના નળોમાં ટપક પદ્ધતિ મુજબ પાણી આવતું હોવાને કારણે એક બેડુ ભરાતા કલાકોનો સમયનીકળી જતો હોવાનું માથે બેડું પાણી ભરવા આવેલ ૬૦ વરસના કંકુબેને જણાવ્યું હતું. જ્યારે ગામના ગોંદરે આવેલમંદિરમાં આવેલ નળમાં પાણી ભરવા મહિલાઓની લાઈન લાગેલ હતી. અહીં પાણી ભરવા આવેલ ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય તેજીબેન ઠાકોરે જણાવ્યું હતું કે બે મહિનાથી ગામમાં પાણી આવતું નથી અને ગામની મહિલાઓને પીવાનું પાણી ભરવા માથે બેડા ઉપાડીને બે કિલોમીટર દૂર જવું પડે છે. જ્યારે લોકોને આજે પુરતું પીવાનું પાણી મળતું નથી તો નાહવાનું પાણી ક્યાંથી લાવવું ઉનાળાના સમયમાં ગામમાં પાણીની ભારે તકલીફ ઉભી થવા પામી છે. પાણીની તકલીફ બાબતે રાધનપુર ખાતે રજૂઆત કરી હોવાનું પણપંચાયતના મહિલા સદસ્યએ જણાવ્યું હતું. લોટીયા ગામના છેવાડે આવેલ વિસ્તારમાં રહેતા શંકરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા ગામમાં પાણીની પાઈપ લાઈન નાખેલ છે પરંતુ બે મહિનાથી પાણીની તકલીફ ભોગવી રહ્યા છીએ. જ્યારે ગામના છેલ્લે આવેલ અમારા વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી નળમાં પાણીનું એક ટપકું પણ આવ્યું નથી.
ગામના સરપંચ શું કહે છે?
ઉનાળાની શરૃઆત થતા લોટીયા અને ઠેકરીયા ગામમાં પાણીની તકલીફ ઉભી થવા પામી છે.ગામના લોકો માટે કેન્દ્ર સરકારની યોજના તળે બોર બનાવવામાં આવેલ છે. પરંતુ બોરનું પાણી પીવા લાયક ના હોવાને કારણે માત્ર પાણી પુરવઠા દ્વારા આપવામાં આવતા પાણી પર જ ગામના લોકો નીર્ભર છે.
રાધનપુરના ધારાસભ્યને જાણ કરી છતાં પરિણામ શૂન્ય
ઉનાળામાં લોકોને પાણીની અત્યંત જરૃરીયાત પડતી હોવાને કારણે રૃપિયા ખર્ચીને ટેન્કરો મંગાવી લોકો જરૃરીયાત પુરી કરતા હોવાનું પણ તેમને જણાવ્યું હતું. ગામમાં બે મહિનાથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હોવા બાબતે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને જાણ કરવા છતાં તેઓ પણ પાણી આવી જશે ેતવું માત્ર આશ્વાસન આપ્યું હોવાનું સરપંચે જણાવ્યું હતું.