પાટણ જિલ્લામાં એકસાથે પાંચનો કોરોના પોઝીટીવ રિપોર્ટ
- અનલોકની છૂટછાટોથી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું
- સિદ્ધપુર, સરસ્વતી, રાધનપુર અને પાટણ શહેરમાં કેસઃ કુલ 130 કેસ
પાલનપુર,તા.18 જૂન 2020, ગુરૂવાર
પાટણ જિલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે.જેમાં ગુરૃવારે જુદા જુદા તાલુકાઓમાં એક સાથે કુલ પાંચ કેસ પોઝીટીવ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જેમાં પાટણ શહેરમાં ૨, સિદ્ધપુર, રાધનપુર તેમજ સરસ્વતી તાલુકામાં ૧-૧ કેસ નોંધાતા જિલ્લામાં કુલ પોઝીટીવ આંક ૧૩૦ પર પહોંચી ગયો છે. જેને લઈ કોરોનાનું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ સહિત વહિવટીતંત્ર પણ અવઢવમાં મુકાઈ ગયું છે. જ્યારે બીજી તરફ ધારપુર હોસ્પિટલ ખાતેથી વધુ ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
પાટણ શહેરમાં ફેલાયેલ કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે જિલ્લાને ભરડામાં લઈ રહ્યું હોય તેમ ગુરુવારે એકસાથે પાટણ શહેર-૨, સિદ્ધપુર-૧, રાધનપુર-૧ તેમજ સરસ્વતી તાલુકામાં ૧ મળી કુલ પાંચ પોઝીટીવ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. જેમાં પાટણ શહેરમાં સોનીવાડો ખેજડાની પોળ વિસ્તારની ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલાને તાવ, ખાંસી તેમજ શ્વાસ લેવામાં તકલીફ જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જ્યારે મોતીશા દરવાજા જકશીવાડો મહોલ્લો વિસ્તારના ૬૨ વર્ષીય પુરુષને શ્વાસ લેવામાં તકલીફ તેમજ તાવના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં બંને દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા પાટણ શહેરમાં પોઝીટીવ આંક ૫૫ પર પહોંચી ગયો છે. જ્યારે સિદ્ધપુર શહેરમાં એડનવાલા સ્કૂલની પાસેના તાહેરપુરા વિસ્તારમાં ૪૫ વર્ષીય પુરુષને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. તો રાધનપુર શહેરમાં મસાલી રોડ પર આવેલ ધાર્મિક સોસાયટીમાં ૫૨ વર્ષીય પુરુષને ખાંસીના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જ્યારે સરસ્વતી તાલુકાના જંગરાલના બાદરાણીવાસમાં ૫૮ વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં તકલીફ અને તાવ સહિતના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવતું હતું. ત્યારબાદ ત્રણેય દર્દીઓનો રિપોર્ટ ગુરુવારે પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. અને પોઝીટીવ પાંચેય દર્દીઓના પરિવારના સભ્યોના સેમ્પલ લઈ કોરોન્ટાઈન કરી સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઈ જિલ્લામાં કુલ પોઝીટીવ આંક ૧૩૦ પર પહોંચી ગયો છે.
પાટણ જિલ્લામાં ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૩૦ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ગુરુવારે ગજાનંદ સોસાયટી વિસ્તારના ૪૪ વર્ષીય પુરુષ, ગુરૃકૃપા સોસાયટીના ૬૬ વર્ષીય પુરુષ તેમજ રાજ ટેનામેન્ટના ૩૬ વર્ષીય પુરુષ છેલ્લા ૨૨ દિવસથી આઈસીયુમાં રાખેલ હતો. ત્યારે ગુરૃવારે સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જેને લઈ પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૯૦ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.