સાંતલપુર તાલુકામાં કૌભાંડ આચરનાર તલાટી સામે પોલીસ ફરિયાદ
- 14મા નાણાં પંચના રૃપિયા બારોબાર ઉપડી જવાનું કૌભાંડ
- કોઈપણ જાતની મંજૂરી વિના રૃપિયા 11,71,845 બેંકમાંથી ઉપાડી ઉચાપત કરવામાં આવી હતી
રાધનપુર, તા. 26 ફેબ્રુઆરી 2020, બુધવાર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોમાં આવેલ વિકાસના કામો અર્થે આવેલી સરકારી ગ્રાન્ટના નાણા બારોબાર ઉપાડી ઉચાપત કરવામાં આવી હતી. જેમાં એક ગ્રામ પંચાયતના નાણાંની ભરપાઈ કરવામાં આવી હતી. જ્યારે બીજી ગ્રામ પંચાયતના નાણાંની ભરપાઈ કરવામાં ના આવતા અંતે તલાટી સામે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સાંતલપુર તાલુકાના ઝેકડા અને ગઢા ગ્રામ પંચાયતમાં તા. ૨૧-૪-૨૦૧૮ થી તા. ૩-૮-૨૦૧૯ના સમયગાળા દરમિયાન ફરજ બજાવતા તલાટી કમ મંત્રી એસ.કે. રાવળે તેઓની ફરજ દરમિયાન બેંકમાંથી ચેક દ્વારા નાણાં ઉપાડયા હતા. જેમાં ગઢા ગ્રામ પંચાયતના ખાતામાંથી રૃપિયા ૫૮૪૮૯૫ તેમજ ઝેકડા ગ્રામ પંચાયતના ખાતામાંથી રૃપિયા ૫૯૬૯૫૦ એમ કુલ રૃપિયા ૧૧,૭૧,૮૪૫ બેન્ક ખાતામાંથી બારોબાર ઉપાડયા હતા. જે બાબતે તપાસ હાથ ધરવામાં આવતા તલાટી એસ. કે. રાવળની છ માસ અગાઉ સમી તાલુકામાં બદલી થવા છતાં પોતાનું કૌભાંડ બહાર ના આવે તે માટે ગ્રામ પંચાયતોનું રેકર્ડ પોતાની પાસે રાખ્યું હતું. વારંવાર નોટીસો આપ્યા બાદ તલાટીએ તા. ૧૩-૨-૨૦૨૦ના રોજ ઝેકડા ગ્રામ પંચાયતમાં જમા કરાવ્યું હતું. જેની તપાસના જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવતા તલાટીએ પોતાના ફરજ કાળ દરમિયાન ઝેકડા અને ગઢા ગ્રામ પંચાયતોના ૧૪ના નાણાં પંચના બેન્ક ખાતામાંથી રૃપિયા ૧૧,૭૧,૮૪૫ ની કોઈપણ મંજુરી વિના ગેરકાયદેસર રીતે બેન્ક ખાતામાંથી ઉપાડી નાણાંની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ઉપાડેલી રકમમાંથી એક પણ ગ્રામ પંચાયતમાં વિકાસની કામગીરી કરવામાં આવી ના હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.
જ્યારે ગઢા ગ્રામ પંચાયતના ખાતામાંથી ઉપાડવામાં આવેલ રકમ રૃપિયા ૫૮૪૮૯૫ બેન્ક ખાતામાં પરત જમા કરાવવામાં આવ્યા હતા. આમ તત્કાલીન તલાટી કમ મંત્રી એસ.કે. રાવળે પોતાની ફરજ દરમિયાન ઝેકડા અને ગઢા ગ્રામ પંચાયતના ૧૪મા નાણાંપંચની રકમ કામો થયા વિના પોતાના અંગત ઉપયોગ કરવા ઉચાપત કર્યા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ બાબતે સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી વી.એમ. પ્રજાપતિએ તલાટી અને તપાસમાં જે ખુલે તેની સામે ફોજદારી રાહે પગલા ભરવા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તાલુકાની ઝંડાલા ગ્રામ પંચાયતમાં પણ ૧૪ મા નાણાંપંચની ગ્રાન્ટના રૃપિયા ૮૩૮૯૭૫ બેન્ક ખાતામાંથી ઉપાડીને ઉચાપત કરવામાં આવેલ છે. જે બાબતે સરપંચ દ્વારા અગાઉ આજ તલાટી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આમ તલાટી દ્વારા ત્રણ ગ્રામ પંચાયતમાંથી નાણાંની ઉચાપત બાબતે ફરિયાદ થવા પામી હતી.