પાટણ પાલિકાએ સાત પશુ માલિકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ
- રસ્તે રખડતા પશુઓના મામલે આખરે તંત્ર હરકતમાં આવ્યું
- પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ થતા નગરજનોમાં આનંદ
પાટણ,તા.27 નવેમ્બર 2019, બુધવાર
પાટણ સહિત સમગ્ર રાજ્યમાં રસ્તે રખડતા ઢોરનો પ્રશ્ન જટીલ બન્યો હતો. અને રસ્તે રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પશુઓના ત્રાસના ભોગ બન્યા હતા. અને પાટણ શહેરમાં પશુના હુમલામાં ત્રણેકના મોત થયા હતા. ત્યારે શહેરીજનોમાં રસ્તે રખડતા ઢોરને લઈ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પાલિકા યોગ્ય નિર્ણય લઈ શકતી ન હતી. ત્યારે પાલિકાએ એકાએક સફાળા જાગી પાટણ શહેરના રસ્તે રખડતા પશુઓના માલિકો સામે નામજોગ પોલીસ ફરિયાદ આપતા પશુ માલિકોમાં દોડાદોડી જોવા મળી હતી.
આ અંગે પાટણ નગર સેવાસદનના કર્મચારી જયેશ નવીનચંદ્ર પંડયાએ પાટણ સીટી એડીવીઝનમાં પોલીસ ફરિયાદ આપી હતી. જેમાં ઉલ્લેખ હતો કે પશુમાલિકો પોતાના ઢોરોને જાહેર રસ્તા પર રખડતા મુકી દીધેલ. તેનાથી કોઈ મૃત્યુ નિપજે તો તે ખુન ગણાય તે અપરાધ માનવવધ ગણાય તેથી માલિકોએ ગુનો દાખલ કરવાના ભાગરૃપે આજે ભરવાડ ગુગાભાઈ રામાભાઈ રહે.પાટણ, ઠાકોર શૈલેષજી, દેસાઈ લાલાભાઈ ભરતભાઈ રહે.લક્ષ્મીપુરા, અમરત કમશીભાઈ દેસાઈ રોકડીયાગેટ ઘીવટો, નારણભાઈ જોરાભાઈ દેસાઈ રહે.મીરા દરવાજા, કાનજીભાઈ સાંકાભાઈ દેસાઈ શાહવાડો-પાટણ, અમરતભાઈ દલાભાઈ દેસાઈ વેરાઈચકલા-પાટણ તેમજ પાટણ સીટી બીડીવીઝનમાં ભરવાડ વિજયભાઈ ધારાભાઈ રહે.માતરવાડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.