પાટણ લોકસભા પર ભાજપની લીડથી કોંગ્રેસનું ગણિત ગોટાળે ચડયું
- ભાજપને 20 હજાર મતની માંડ લીડની આશા વચ્ચે 1.90 લાખ વોટ મળ્યા
- કોંગ્રેસને પાટીદાર ફેક્ટર પણ પાટણ, ચાણસ્મામાં લીડ અપાવી ન શક્યું, ખેરાલુએ કોંગ્રેસને મોટો ફટકો આપ્યા
પાલનપુર, તા. 24 મે 2019, શુક્રવાર
પાટણ લોકસભા પર ભાજપના ભરતસિંહ ડાભી વિકાસ મુદ્દા પર નહીં પરંતુ મોદીની લ્હેરમાં તરી રેકોર્ડ લીડ સાથે કોંગ્રેસને કચડી લોકસભા પર ભગવો લહેરાવ્યો છે ત્યારે કોંગ્રેસની જીતની અટકળો વચ્ચે ભાજપને ફક્ત ૧૦ થી ૨૦ હજાર મતોની લીડથી જીતની આશા સામે ૧.૯૨ લાખ મતની લીડ આવતા કોંગ્રેસના રાજકીય ગણિત ગોટાળે ચડી ગયા છે અને જ્યાં કોંગ્રેસના ગઢ ગણાતા ગામો તેમાં પણ શરમજનક રીતે કોંગ્રેસના ભાજપ પછાડતા કોંગ્રેસ પાસે હારના કારણો પણ બચ્યા નથી.
પાટણ લોકસભા પર ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કરના એંધાણની સમીક્ષા વચ્ચે સમગ્ર મત ગણતરી રાઉન્ડમાં ભાજપ શરૃથી અંત સુધી પ્લસમાં ચાલી અને સતત લીડમાં વધારો કરી કોંગ્રેસને પાછળ ધકેલી ૧.૯૨ લાખ મતોની લીડ આપી રેકોર્ડ બ્રેક કરી ભવ્ય વિજય હાંસલ કર્યો છે ત્યાર ેફક્ત ૧૦ થી ૨૦ હજાર મતથી માંડ જીતવાની આશા ધરાવતું ભાજપ આશ્ચર્યજનક ભરતસિંહની વિજય લીડ જોઈ ખુદ અચંબામાં પડી ગયું હતું ત્યારે લોકસભામાં કોંગ્રેસને કારમી હાર આપવા પાછળ શું રણનીતિ તેની સ્પષ્ટતા ભાજપને સમજાઈ નથી ત્યારે ક્યાં ઓછા ઉતર્યા તેની બાદબાકી અને સરવાળો કરવા કોંગ્રેસના આગેવાનો ગણિત કરી રહ્યા છે. ત્યારે હાલમાં ફક્ત સ્પષ્ટ રીતે રાષ્ટ્રવાદ અને ફક્ત મોદી લહેરને લઈ વિપરીત પરિણામ સર્જાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ખેરાલુએ કોંગ્રેસને ભારે ફટકો આપ્યો
ભાજપના ભરતસિંહ પોતાના મત વિસ્તાર ખેરાલુમાંથી ૨૦ મતોની લીડ મેળવશે તેવો ભાજપનો આશાવાદ હતો પરંતુ મતગણતરી શરૃ થતાં દરેક રાઉન્ડમાં ૪ થી ૫ હજાર મત પ્લસ નીકળી અંતે ૬૦ હજાર મતની કોંગ્રેસને ધરખમ લીડ આપતા કોંગ્રેસની ગણતરીથી વધુ લીડ નીકળતા વર્તુળો ઉંધા પડયા હતા અને કોંગ્રેસને ખેરાલુ વિધાનસભાની લીડનો મોટો ફટકો પડયો હતો.
રાધનપુર સહિત વિસ્તારોમાં અલ્પેશની અસર થઈ
રાધનપુર વિધાનસભા આવતા વારાહી, સાંતલપુર અને રાધનપુરના ગામડાઓ કોંગ્રેસના ગઢ મનાય છે તો અલ્પેશ ધારાસભ્યની ચૂંટણીમાં ૫૦થી વધુ મતોની લીડ મેળવી કોંગ્રેસને બેઠક અપાવી હતી ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જ અલ્પેશ આક્રમક બની કોંગ્રેસ સાથે છેડો ફાડતા ઠાકોર સેના કોંગ્રેસથી વિમુખ બનતા વિરોધમાં પ્રચાર કર્યો હતો ત્યાર ેપાટણ લોકસભાની સિધ્ધપુર, રાધનપુર અને કાંકરેજ વિધાનસભામાં ઠાકોર સેના મજબુર હોય કોંગ્રેસને મતદાનમાં મોટો ફટકો પડયો. જેને લઈ એક સમયે રાધનપુર કોંગ્રેસને ૨૫ હજાર પ્લસ લીડ આપતું એ રાધનપુર વિધાનસભા કોંગ્રેસને ૫૮ હજાર મત આપતા કોંગ્રેસને મોટું નુકસાન થયું હોવાનું રાજકીય આગેવાનો માની રહ્યા છે.
જગદીશ ઠાકોરને કોંગ્રેસના ગઢ વડગામમાંથી ફક્ત ૨૫૦૦ મતોની જ લીડ મળી
વડગામ વિધાનસભા કોંગ્રેસનો ગઢ મનાય છે. છતાં પાટણ લોકસભામાં ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ભારે રસાકસી રહી હતી અન ેફક્ત ૨૫૦૦ જેટલા મતની જ લીડ કોંગ્રેસ મેળવી શક્યું હતું અને સાત વિધાનસભા પૈકી ફક્ત એક જ વડગામ વિધાનસભામાં કોંગ્રેસ ભાજપથી આગળ જોવા મળ્યું હતું. ગઢ હોવા છતાં કોંગ્રેસને વધુ ફાયદો ન થવા પાછળ મોદી લહેર જવાબદાર હોવાનુ ંકોંગ્રેસના આગેવાનો જણાવી રહ્યા છે.
પાટણ અને ચાણસ્મામાં કોંગ્રેસને પાટીદાર ફેક્ટર પણ ફાયદો ના કરાવી શક્યું
પાટણ પાટીદાર આંદોલનનું એપી સેન્ટર ગણાતું હતું અને પાટીદારોના ૨.૫૦ લાખથી વધુ મતો છે ત્યારે પાટણ લોકસભા પર ચાણસ્મા, પાટણમાં મોટા પ્રમાણમાં પાટીદાર સમાજના મતો હોવા છતાં પાટણ વિધાનસભામાંથી ૨૪ હજાર અને ચાણસ્મા વિધાનસભામાંથી ૩૨ હજાર મતોની ભાજપને લીડ મળતા પાટીદાર ફેક્ટર સહિત બાલીસણા ગામે હાર્દિક પટેલે સભાની કોઈ જ અસર થઈ ન હોવાનું જોવા મળી રહ્યું છે.