રાધનપુર તાલુકાના મહેમદાવાદ-કોલ્હાપુર રેલવે માર્ગ ઉપર
- ફાટક મુદ્દે ગ્રામજનોનો રેલવેના પાટા પર સૂઇ જઇ વિરોધ
- વારંવાર રજૂઆત છતાં રેલવે દ્વારા ફાટક ખોલવામાં ન આવતા ટ્રેન રોકો આંદોલન કરતા રેલવેના અધિકારીઓ દોડી આવ્યા
રાધનપુર, તા. ૨ જાન્યુઆરી, 2020, બુધવાર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના
મહેમદાવાદ કોલ્હાપુર માર્ગ પર આવેલા રેલવે ફાટક બંધ કરવામાં આવતા ગ્રામજનોનો ભારે રોષ
ફેલાયો હતો. ફાટક ખોલવા બાબતે ગ્રામજનોએ વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં
નઘરોળ રેલવે તંત્ર દ્વારા ફાટક ખોલવામાં ના આવતા અંતે રોષે ભરાયેલા ગ્રામજનોએ રેલ્વેના
પાટા પર સુઈ જઈને રેલ્વે રોકતા રેલ્વેના અધિકારીઓ દોડી આવ્યા હતા.
પાલનપુર, ગાંધીધામ રેલ્વે લાઈનમાં બીજી ટ્રેક નાખવાનું
કામ શરૃ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને મહેમદાવાદ અને કોલ્હાપુર ગામના જુના માર્ગ
પર આવેલ રેલ્વે ફાટક નં. 94 સી રેલ્વે ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવેલ છે. નવાબી શાસનકાળથી
મહેમદાવાદ કોલ્હાપુરનો માર્ગ હોઈ અહીંથી કોલ્હાપુર જવા માટે આ માર્ગનો લોકો ઉપયોગ કરતા હતા. પરંતુ ફાટક બંધ કરવાને લઈને
અહીંથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બન્યું હતું. જ્યારે ફાટક બંધ કરવામાં આવતા મહેમદાવાદ
ગામના 200થી વધુ ખેડૂતોની જમીન ફાટકની સામેની બાજુએ આવેલો હોઈ રેલ્વે ઓથોરિટી દ્વારા ફાટક બંધ કરવામાં આવતા
ખેડૂતોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરે ખેતી કામ કરતા
ખ ેડૂતની પત્નીને ખેડૂત માટે બપોરે ખાવાનું (ભાત) લઈને ખેતરે જવું હોય તો ફાટક બંધ
હોવાને કારણે ત્રણ કિલોમીટર જેટલું ફરીને જવું પડતું હતું. ફાટક બંધ કરતા ફરીને જવાના
માર્ગો પર ચોમાસામાં વરસાદના પાણી ભરાવવાને કારણે ખેડૂતોના વાહનો પણ આ માર્ગ પરથી પસાર
થતા ન હતા. જેના કારણે ખેડૂતોને ચોમાસામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
રેલ્વે ઓથોરિટી દ્વારા ફાટક બંધ કરવામાં આવતા ફાટક ખોલાવવા માટે મહેમદાવાદ તેમજ કોલ્હાપુરના
ગ્રામજનોએ રેલ્વે તથા જિલા કલેક્ટરને લેખિત રજુઆતો કરી હતી પરંતુ રેલ્વે ઓથોરીટી દ્વારા
ફાટક ખોલવા બાબતે કોઈ જ કામગીરી કરવામાં ના આવતા છેલ્લે ગ્રામજનોએ આંદોલન કરવાની ધમકી
ઉચ્ચારી રજુઆત કરી હતી. પરંતુ રેલ્વે દ્વારા ફાટક ખોલવામાં ના આવતા ૨જી જાન્યુઆરીના
સવારે મહેમદાવાદ ગામની મહિલાઓ સહિત ૨૦૦થી વધુ માણસો રેલ્વે પાટા પર આવી સુઈ ગયા હતા
અને ગાંધીધામથી પાલનપુર તરફ જતી માલગાડી રોકી બંધ કરેલ ફાટક ખોલોના સુત્રોચ્ચાર કર્યા
હતા.
ગાંધીધામથી પાલનપુર તરફ જતી
માલગાડી ગ્રામજનોએ રોકી હોવાના સમાચાર મળતા રેલ્વે પોલીસના જવાનો દોડી આવ્યા હતા અને
ગ્રામજનો અને રેલ્વે પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. માત્ર
બે જ પોલીસના જવાનોથી ગ્રામજનો કાબુમાં ના આવતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યારે
રેલ્વે અધિકારી પણ સ્થ પર દોડી આવ્યા હતા અને લેખિત રજુઆત૨ કરો તેવી વાત કરીને લોકોને
સમજાવવાની કોશિશ કરી હતી. જ્યારે લોકોએ લેખિત રજુઆતો કેટલીયવાર કરી હોવાનું અધિકારીઓએ
જણાવ્યું હતું. આ બાબતે સ્થળ પર દોડી આવેલા રેલ્વે અધિકારીને પુછતા પોતાની નાકામી છુપાવવા
તેઓએ આ બાબતે ઓથોરાઈજ ના હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળી સ્થળ પરથી ચાલતી પકડી હતી.
પોલીસ અને રેલ્વે અધિકારીઓની સમજાવટ બાદ લોકોએ રોકાવી રેલવે જવા દીધી હતી અને રેવે
સ્ટેશન આવી રેલ્વેના એમડી.ને ફાટક ખોલાવવા બાબતે લેખિત રજુઆત કરવાની વાત ગામના સરપંચને
સમજાવતા અંતે મામલો થાળે પડયો હતો.
આગામી દિવસોમાં ફાટક નહીં
ખુલે તો આંદોલન કરાશે
અમારા ગામના બસોથી વધુ ખેડૂતોને
ફાટક બંધ થતા ખેતર જવા માટે મુશ્કેલી ઉભી થઈ છે. ફાટક ખોલાવવા કલેક્ટર રેલવે પ્રધાન
સહિત લાગતાવળગતાને ગામના લોકોએ વારંવાર રજુઆતો કરી હતી. પરંતુ કોઈ જ નિરાકરણ ના આવતા
આજે અમારે રેલ્વે રોકવાની ફરજ પડી છે. જો હજુ પણ રેલ્વે ફાટક ખોલવામાં નહીં આવે તો
આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું માધાભાઈ રબારીએ જણાવ્યું હતું.