ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કર્લાક, ટાઈપીસ્ટ અને પી.એ. ટુ રજિસ્ટ્રારની પરીક્ષા ફરી લેવાશે
પરીક્ષામાં કોઈ શખ્સ ઉમેદવારને કોપી કરાવતો હોવાનો ફોટો વાયરલ થતાં યુનિવર્સિટીએે પરીક્ષા રદ્ કરી હતી
પાટણ,
તા. 5 ડિસેમ્બર, 2018, બુધવાર
હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
પાટણમાં ૩૦ જગ્યાઓ માટે લેવાયેલી ભરતી પરીક્ષામાં ગેરરીતિ મામલે વિવાદ થતા એક વર્ષ
બાદ ગેરરીતિ થઈ હોવાની આશંકાને લઈને જ પરીક્ષા રદ્ કરી નવેસરથી ૧૨૦૦થી વધુ ઉમેદવારોની
ફરી પરીક્ષા યોજાશે.
રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષાઓના પેપરમાં ગેરરીતિઓ થતા હોવાનો ભાંડો ફુટતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં લોકરક્ષક પોલીસની પેપર લીક કૌભાંડના પણ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
પાટણ યુનિવર્સિટીમાં એક વર્ષ અગાઉ જુનિયર ક્લાર્ક સહિત વિવિધ ૩૨ જગ્યાઓ માટે ભરતી પરીક્ષા યોજાઇ હતી. જેમાં પેપર વોટ્સઅપમાં વાયરલ સહિત ઉમેદવારને પરીક્ષા ખંડમાં કોપી કરાવતા હોવાના આક્ષેપો સાથેના ફોટા વાયરલ થતા પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની રાવ ઉઠતા ભારે વિવાદ બાદ પરીક્ષા રદ્ કરવા માટે વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન કરતા તેમની માગણી માટે ચર્ચા કરી નિર્ણય લેવા યુનિવર્સિટીએ બાંહેધરી આપી હતી.
આ બાબતે એક વર્ષ બાદ હવે તાજેતરમાં ૧ ડિસેમ્બરના રોજ મળેલ કારોબારી બેઠકમાં આ પરીક્ષા પૈકી હિસાબનીશની બે જગ્યાઓ માટે ૨૮ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ બપોરના તબક્કામાં લીધેલી પરીક્ષા માન્ય રાખી સવારના તબક્કામાં જુનિયર ક્લાર્ક સહિત પી-એ ટુ રજીસ્ટ્રાર અને ટાઈપીસ્ટની કુલ ૩૦ જગ્યાઓ માટેની ભરતી રદ્ કરી દેવાનો નિર્ણય કર્યો છે.
આગામી સમયમાં ફરી આ ૩૦ જગ્યાઓ માટે અગાઉ પરીક્ષા આપેલ ૧૨૦૦ જેટલા ઉમેદવારોની
ફરી પરીક્ષા યોજવા નિર્ણય કર્યો છે તેવું રજીસ્ટ્રાર ડી. એમ. પટેલે જણાવ્યું હતું.