Get The App

રાજસ્થાનમાં નર્મદાનું પાણી છોડાતા ચાણસ્મા અને બેચરાજીના ખેડૂતો પાણીથી વંચિત

-ઘરના છોકરા ઘંટી ચાટેને અપાસરામાં લોટ જેવી ભાજપની નીતિ

રાજસ્થાનમાં ચૂંટણી હોવાથી ત્યાંના ખેડૂતો માટે પાણીની રેલમછેલ

Updated: Nov 18th, 2018

GS TEAM

Google News
Google News
રાજસ્થાનમાં નર્મદાનું પાણી છોડાતા ચાણસ્મા અને બેચરાજીના ખેડૂતો પાણીથી વંચિત 1 - image

ચાણસ્મા, તા.૧૭ નવેમ્બર, ૨૦૧૮, શનિવાર

લાભ પાંચમના દિવસથી નર્મદાની મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાની મસમોટી જાહેરાત કરી હતી.પરંતુ દસ દિવસના વ્હાણા વિતી જવા છતાં કેનાલમાં પાણી ન પહોંચતા દુષ્કાળની પરિસ્થિતીનો સામનો કરી રહેલા ચાણસ્મા અને બેચરાજી તાલુકાના ૨૦ જેટલા ગામના ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. જેની પાછળ કેનાલમાંથી બિનઅધિકૃત પાઈપલાઈનોથી ખેંચવામાં આવતા પાણીને કારણે અંતરિયાળ ગામડાઓ સુધી પાણી પહોંચતુ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નોંધપાત્ર છે કે, રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણી હોવાથી નર્મદામાંથી પાણીનો જથ્થો રાજસ્થાનને આપવામાં આવી રહ્યો છે.

જેના કારણે હાલ નર્મદાની કેનાલોમાં પાણીનું સ્તર નીચું જતાં ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવા વિવિધ કેનાલોમાં નર્મદાનું પાણી છોડવાની જાહેરાત છેતરામણી સાબિત થઈ છે.

રાજય સરકારે તાજેતરમાં ચોમાસુ નિષ્ફળ રહેતાં ચાણસ્મા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો હતો. વળી,પાતાળકુવામાં માત્ર આઠ કલાક જ વીજ પુરવઠો આપવામાં આવતો હોવાથી સિંચાઈના પાણીની અને પશુપાલનના ઉપયોગ માટે પાણીની તીવ્ર અછત જોવા મળે છે.

જેના કારણ આ વિસ્તારના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ તાલુકામાં થઈને પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પમ્પીંગ મશીનથી સિંચાઈનું પાણી ખેંચવા પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

જયારે નર્મદાની પેટા અને માઈનોર કેનાલોમાં પાણી છોડવા છતાં આ વિસ્તારના ૧૦ જેટલા આંતરીયાળ ગામોમાં પાણી પહોંચ્યું ન હોવાથી આ ગામડાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ સંદર્ભે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

બેચરાજી તાલુકામાં પણ ઓછા વરસાદને કારણે ચોમાસુ ખેતી સદંતર નિષ્ફળ રહી છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો આર્થિક તંગી અનુભવી રહ્યા છે.

મોટાભાગના તળાવો ખાલીખમ બન્યા છે. ખારી, પુષ્પાવતી અને રૃપેણ નદીમાં પાણી છોડવાની માંગણી તંત્રએ નહીં સંતોષતા નદીકાંઠાના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે.

સાપાવાડાના ખેડૂત હીરાજીએ જણાવ્યું હતું કે, કેનાલોની હલકી  ગુણવત્તાથી વારંવાર ગાબડા પડે છે વળી રીપેરીંગ થતું ન હોવાથી પાણી મળતું નથી. જેનાથી બેચરાજીના ૧૦ જેટલા ગામડાના ખેડૂતો કફોડી સ્થિતીમાં મુકાયા છે.

પાઈપલાઈનથી તળાવો ભરવામાં ભેદભાવ

માઈનોર કેનાલોમાં પાણી છોડાયું અને પાઈપલાઈનથી તળાવો ભરવાની યોજના પર  પૂર્ણવિરામ મુકાતા આ વિસ્તારના ખેડૂતોને બેવડો માર પડયો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ તાલુકા પ્રત્યે તંત્ર દ્વારા રાખવામાં આવતા ભેદભાવને કારણે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે.આ મુદ્દે બ્રાહ્મણવાડામાં એકઠા થયેલા ખેડૂતોએ તંત્ર સમક્ષ રજૂઆત કરીને અન્યાય દૂર નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ચાણસ્મા અને બેચરાજીના સિંચાઈના પાણીથી વંચિત ગામો

ખાંભેલ, સૂરજ, સાપાવાડા, વેણપુરા, ચંદ્રોડા, શંખલપુર, ડોડીવાડા, એંદલા, હરિપુરા, ખોરસમ, દેલમાલ, બ્રાહ્મણવાડા, છમીછા, ભાટવાસણ, ભાટસર, મંડાલી

Tags :