સાંતલપુર તાલુકા પંચાયતમાં બાંધકામ એસ.ઓ.નું મહિલા સરપંચ સાથે ઉદ્ધત વર્તન
- સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો
- લીમગામડામાં ગટર કામના કમિશન બાબતે રકઝક થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા
રાધનપુર, તા. 11 જુલાઈ 2019, ગુરૂવાર
પાટણ જિલ્લાના છેવાડે આવેલ સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને જાણે કાયદાની બીક ના હોય તેમ મનસ્વી વર્તન કરતા હોય છે. તાલુકા પંચાયતમાં બાંધકામ વિભાગમાં ખદબદતા ભ્રષ્ટાચાર બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ છે ત્યારે આ શાખાના એસ.ઓ. દ્વારા મહિલા સરપંચને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાબતે પોલીસમાં ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી હતી.
સાંતલપુર તાલુકાના ઉનડી લીમગામડા જુથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભગીબેન હરેશભાઈ આયર દ્વારા તાલુકા પંચાયત બાંધકામ શાખાના એસ.ઓ. પાલાભાઈ રેવાભાઈ મકવાણા વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યાનુસાર લીમગામડા ખાતે નવીન બનાવેલ ગટર લાઈનનું કામ પૂર્ણ થયેલ જે કામ અંગેનું માપ લઈને બીલ બનાવવા મહિલા સરપંચે તા.૫મી જુલાઈના રોજ વારાહી તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં અરજી આપી હતી.
જે બાબતે પુછપરછ માટે મહિલા સરપંચ તાલુકા પંચાયત કચેરીમાં તા.૮મી જુલાઈના રોજ ગયા હતા ત્યારે તાલુકા પંચાયતના બાંધકામ શાખાના એસ.ઓ.એ તાલુકા પંચાયતની બહાર આવીને મહિલા સરપંચ પાસે ૧૦ ટકા કમિશનની માંગ કરી હતી. જો કમિશન આપો તો જ બીલ અપાવીશ તેવું એસ.ઓ.એ જણાવ્યું હતુ ત્યારે સરપંચે કમિશન આપવાની ના પાડતા એસ.ઓ.એ મહિલા સરપંચ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને કમિશન આપવું હોય તો જ અહી આવવું નહી તો આવવું નહી તેમ કહી મનફાવે તેમ મહિલા સરપંચને બોલેલ જે બાબતે મહિલા સરપંચે વિરોધ કરતા એસ.ઓ. ઉશ્કેરાઈ ગયા હતા.
અને મહિલા સરપંચને ભુંડી ગાળો બોલી હતી અને મારા પાવરની તને ખબર નથી તેમ કહી એસ.ઓ. દ્વારા મહિલા સરપંચની નજીક જઈ મારવા ધસી ગયેલ ત્યારે મહિલા સરપંચના સસરા કરનશભાઈ તથા ગોતરકાના દિનેશભાઈ વચમાં પડતા મહિલા સરપંચને મારથી બચાવ્યા હતા. આજ પછી તે આપેલ અરજી બાબતે આ કચેરીમાં પુછવા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી એસ.ઓ. દ્વારા મહિલા સરપંચને આપવામાં આવી હતી. જે બાબતે મહિલા સરપંચે વારાહી પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહિલા સરપંચ શું કહે છે
મહિલાઓ માટે સરકારમાં ભાગીદારીની પ્રધાનમંત્રી દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ અમારા સાથે બનેલી ઘટનાથી અમો ભયભીત થઈ ગયા છીએ. ગામના વિકાસના કામોના બીલો મંજુર કરાવવા હોય તો તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં ખુલ્લેઆમ કમિશન માંગવામાં આવે છે. જો કમિશન આપવાની ના પાડવામાં આવે તો માથાભારે કર્મચારી દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે. તાલુકા પંચાયતમાં એસ.ઓ. તરીકે ફરજ બજાવતા પાલાભાઈ મકવાણાને ત્યાં તપાસ કરાવવામાં આવે તો આયથી વધારે મિલકત મળી આવશે તેવું સરપંચ ભગીબેને જણાવ્યું હતું.