રાધનપુર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, બુધવાર
પાટણ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં શૌચાલયો
બનાવવા સરકાર દ્વારા લાખ્ખો રૃપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લામાં શૌચાલય બનાવવામાં
મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ બાબતે તમામ તાલુકાના બે ગામોમાં તપાસ કરવામાં
આવી હતી. જેમાં જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં ગેરરીતિ આચરાઈ હોવાનું તપાસમાં માલુમ
પડતાં નાણાંની રીકવરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે સમી તાલુકામાં બે ગામમાં
થઈને એક કરોડ જેટલી રકમનું કૌભાંડ આચરાયાનું માલુમ પડતાં આ બાબતે આઠ લોકો સામે પોલીસ
ફરિયાદ નોંધાઈ હતી.
સમી તાલુકાના ભદ્રાડા અને સીંગોતરીયા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયો બનાવવા સરકાર દ્વારા નાણાં ફાળવવામાં આવ્યા હતા.
જેમાં તાલુકા પંચાયતના જે તે વખતના તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટી અને સરપંચોએ ભેગા મળી શૌચાલય બનાવવા બાબતે ખોટા રેકર્ડ બનાવી સરકારી સહાયની ઉચાપત કરી હતી. જ્યારે કેટલા અધુરા શૌચાલય બનાવી સરકારે ફાળવેલી પુરી રકમ ઉપાડી લીધી હતી.
આમ બંને ગામમાં જે તે વખતના અધિકારી તેમજ પદાધિકારીઓએ ભેગા મળીને મોટાપાયે શૌચાલય બનાવવામાં ગેરરીતિ આચરી હતી. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરાવતાં બંને ગામમાં સરકાર દ્વારા શૌચાલય બનાવવા ફાળવવામાં આવેલ રકમ રૃપિયા ૯૦,૯૬,૦૦૦ની ઉચાપત કરવામાં આવી હોવાનું માલુમ પડયું હતું.
આમ સમી તાલુકામાં આચરાયેલ શૌચાલય બાબતે બે તાલુકા વિકાસ
અધિકારી, એક તલાટી, બે સરપંચ, એક કોઓર્ડીનેટર, એક કલસ્ટર તથા એક
સિવિલ ઈજનેર આમ કુલ આઠ લોકો સામે સમી પોલીસ સ્ટેશનમાં શૌચાલય કૌભાંડમાં નાણાંની ઉચાપત
બાબતે ફરિયાદ નોંધાવી હોવાનું સમી તાલુકા વિકાસ અધિકારી આર.જે. ઠાકોરે જણાવ્યું હતું.
આરોપીઓના નામ
(૧) જવીબેન
ઈશ્વરજી ઠાકોર (૨) પી.ડી. પરમાર (૩) જવાભાઈ રણશીભાઈ નીરાશ્રીત (૪) કે.જી. શ્રીમાળી
(૫) એન. એચ. જાની (૬) કીરણભાઈ કે. ચૌધરી (૭) ડી.ડી. વાઘેલા (૮) હસમુખભાઈ પરમાભાઈ સીંધવ


