રાધનપુર શહેરમાં કરિયાણાના વેપારી કોરોનામાં સપડાયા
- ગ્રાહકો અને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો
- ઘરમાં રહેતા 16 તથા આજુબાજુના પાંચ સહિત 21ને કોરોન્ટાઈન કરાયા
રાધનપુર,તા.18 જૂન 2020, ગુરૂવાર
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મસાલી રોડ પર રહેતા પરિવારને ત્યાં મુંબઈથી આવેલા સગાઓ સાથે રહેતા ઘરના મોભીને ચાર પાંચ દિવસથી શરદી અને ખાંસી થતા સ્થાનીક સારવાર કરાવી હતી. પરંતુ તકલીફ વધારે જણાતા ધારપુર ખાતે સારવાર અર્થે મોકલી આપ્યા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો.
રાધનપુર મસાલી રોડ પર આવેલ ધાર્મિક બંગલોઝ નજીક રહેતા કુંવરીયા અશોકભાઈના ભાઈનું મૃત્યું થોડા દિવસો અગાઉ મુંબઈ ખાતે થયું હતું. અને તેઓ મુંબઈ ખાતે ગયા હતા. મોટાભાઈના મૃત્યુ બાદ તેમના પરિવારને મુંબઈથી સાથે રાધનપુર ખાતે લાવવામાં આવ્યો હતો. મુંબઈથી આવ્યા બાદ ચાર-પાંચ દિવસથી અશોકભાઈને ખાંસી અને શરદી થતા તેઓએ રાધનપુર ખાતે ખાનગી તબીબો પાસે સારવાર લીધી હતી. પરંતુ તેમને તકલીફ વધુ જણાતા ખાનગી તબીબની સલાહથી ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને ધારપુર દર્દીના નમૂના લઈ રિપોર્ટ કરતા દર્દીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. ઘરમાં રહેતા ૧૬ અને બાજુમાં રહેતા તેમના જ પરિવારના ૫ લોકો આમ કુલ ૨૧ જણને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ ૨૧માં મુંબઈથી આવેલા કેટલા છે તેની પણ તપાસ આરોગ્યની ટીમે શરૃ કરી હતી. જ્યારે કોરોના પોઝીટીવ આવેલ દર્દીના ઘર અને આજુબાજુની સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા સેનેટાઈઝીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.