પાટણ શહેરમાં ગંદકી કરનારને સ્થળ પર જ નોટીસ આપી દંડ ફટકારાશે
- શહેરની સ્વચ્છતા જાળવવા માટે અભિગમ
- ચીફ ઓફીસરે 16 જેટલા મુદ્દાઓ ટાંકી ત્રણ દિવસમાં કચરાપેટી વસાવવા જાણ કરી
પાટણ,તા.26 ફેબ્રુઆરી 2020, બુધવાર
પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસરે એક નવતર પ્રયોગ શરૃ કર્યો છે. આ પ્રયોગ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અંગે ઘડાયેલા કાયદાનો પરિચય લોકોને થાય અને લોકોમાં આ બાબતે શિસ્ત આવે તે માટે જ્યાં પણ આવી પ્રવૃત્તિ થતી ધ્યાને આવશે તેઓને સ્થળ ઉપર જ લેખિત નોટીસ ફટકારી દેવામાં આવશે. અને આ અંગેની સત્તા ચીફ ઓફીસર ઉપરાંત સેનેટરી અને બોર્ડને પણ આપી છે.
ચીફ ઓફીસરે સ્થળ ઉપર ફટકારવાની નોટીસની તૈયાર કરેલા ૧૬ જેટલા મુદ્દાઓના ગુનાઓના મુસદ્દામાં જણાવ્યું છે કે જે વ્યક્તિને આ નોટીસ આપવામાં આવશે તે ૧૬ મુદ્દાઓ પૈકીના કોઈપણ પ્રકારના અપકારક કૃત્ય તાત્કાલિક બંધ કરીને ભવિષ્યમાં આવું કૃત્ય નહી કરવામાં આવે તથા લેખિત બાંહેધરી ત્રણ દિવસમાં રજૂ કરવાની રહેશે. જો તેમ નહી કરવામાં આવે તો ફોજદારી ધારાની જોગવાઈ મુજબ કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. જે અંગે પાછળથી કોઈપણ પ્રકારનો વાંધો તકરાર માન્ય રાખવામાં આવશે નહી.
ચીફ ઓફીસરે તૈયાર કરેલા ૧૬ જેટલા કૃત્યોનો ઉલ્લેખ કર્યો છે તેમાં ઘર, દુકાન, ઓફીસમાં ભીના-સુકા કચરા માટે અલગ અલગ કચરા પેટી નથી તો ત્રણ દિવસમાં કચરાપેટી વસાવી નગરપાલિકાને જાણ કરવી. અન્યથા દંડની કાર્યવાહી કરાશે. ભીના-સુકા કચરાનું સેગ્રીગેશન કરી અલગ અલગ રાખવામાં નહી આવે તો તેવા લોકોનો કચરો નગરપાલિકા દ્વારા લેવાશે નહી. પ્રતિબંધિત પ્લાસ્ટીક થેલી-ઝભલાનો ઉપયોગ, વેચાણ સંગ્રહ કરવામાં આવેલો ચેકીંગ દરમિયાન જણાશે તો પગલાં લેવાશે. ઘર, દુકાન, લાશ, ગલ્લાનો કચરો કચરા પેટીમાં રાખવાને બદલે જાહેરરસ્તા, ખુલ્લા, પ્લોટ, રોડ ડિવાઈડર ફુટપાથ, ગટર ખુલ્લી જગ્યા, નદી, તળાવના કિનારે વરસાદી પાણીની કેનાલોમાં નાખીને ગંદકી કરાશે તો દંડ થશે. જાહેર રસ્તા ઉપર પશુ બાંધેલ હોવાને ગંદકી કરાતી હશે, બાયો મેડીકલ વેસ્ટનો અયોગ્ય રીતે સોલીડ વેસ્ટ સાથે નિકાલ કર્યો હશે, ઘર કે દુકાનની ઉપરથી વરસાદી પાણીની પાઈપ નીચે ઉતારી હોય તેનાથી રાહદારીઓ પર વરસાદનું પાણી ન પડે તે માટે પાઈપ નીચે ઉતારવી તથા નગરપાલિકાની ગટર પર દબાણ કરેલ હોય, ફુટપાથ પર સામાન રહેલો હોય તેવા કિસ્સાઓ ચેકીંગ દરમિયાન માલુમ પડશે તેવાને સ્થળ ઉપર નોટીસ ફટકારી દેવામાં આવશે.