Get The App

અભ્યારણ્યમાં બંદૂકના ભડાકે સસલા અને હરણનો શિકાર

- સાંતલપુર તાલુકાના ધોકાવાડા નજીક

- ત્રણ સસલા, હરણનો મૃતદેહ મળ્યોઃ બંદૂકના અવાજથી વનકર્મીઓ જંગલમાં પહોંચી જતા શિકારીઓ ભાગ્યા

Updated: May 19th, 2020

GS TEAM

Google News
Google News
અભ્યારણ્યમાં બંદૂકના ભડાકે સસલા અને હરણનો શિકાર 1 - image

રાધનપુર,તા.18 મે 2020, સોમવાર

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાને અડીને આવેલ કચ્છના મોટા રણને અડીને આવેલ ધોકાવાડા ગામ નજીકના સેન્ચુરી વિસ્તારમાં રાત્રિના સમયે બાઈક લઈને આવેલા શિકારીઓએ વન્ય જીવોનો શિકાર કરવા બંદૂકના ભડાકા કર્યા હતા. બંદૂકના ભડાકાના અવાજ થતા સ્થાનીક લોકો અને વનકર્મીઓ જંગલમાં દોડી ગયા હતા. લોકોને આવેલા જોઈને શિકારીઓ બાઈક મુકી ભાગ્યા હતા. બાઈકની તપાસકરતા ત્રણ સસલા અને એક હરણ મૃત મળી આવતા વનકર્મીઓ ચોંકી ઉઠયા હતા અને શિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાંતલપુર તાલુકાના ધોકાવાડા નજીક આવેલ સેન્ચુરી વિસ્તારમાં તા.૧૭મી મેની રાત્રિના સમયે વન્ય પ્રાણીઓના શિકાર કરવાના ઈરાદે ત્રણેક બાઈક પર શિકારીઓ પ્રવેશ્યા હતા. બાઈક પર આવેલા શિકારીઓએ જંગલમાં રહેતા વન્યજીવો પર બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું. જંગલમાં બંદૂકના ભડાકા થતા જંગલમાં વન્યપ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોવાની શંકા આધારે વનકર્મીઓ અને સ્થાનીક લોકો જંગલમાં દોડી ગયા હતા. બંદૂકના ભડાકાની દિશામાં તપાસકરતા લગભગ ત્રણેક બાઈક પર શિકારીઓ શિકાર કરવા આવ્યા હોવાનું લોકોને જણાતા વનકર્મી અને લોકો તે તરફ ગયા હતા. લોકોને અને જંગલખાતાના સ્ટાફને જોઈ શિકારીઓ બંદૂક લઈને બે બાઈક પર નાસી છૂટયા હતા. જ્યારે એક બાઈક લોકોએ પકડી પાડયું હતું. બાઈકની તપાસ કરતા બાઈક પર લટકાવેલ થેલામાંથી ત્રણ સસલા અને એક હરણનો શિકાર કરેલમૃતદેહ વનકર્મીઓને મળી આવતા લોકો ચોંકી ઉઠયા હતા. અને જંગલમાં હરણનો શિકાર કરવામાં આવ્યો હોવાની જાણ ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી. મૃતક જીવોનું પીએમ કરવામાં આવતા હરણના મૃતદેહમાંથી બંદૂકના સાત છરા મળી આવ્યા હતા. જિલ્લામાં હરણના શિકારનો કિસ્સો સામે આવતા જંગલખાતાના ઉચ્ચ અધિકારીઓ સાંતલપુર ખાતે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે રાત્રે પકડાયેલ બાઈકના આધારે આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવશે તેવું આરએફઓ જે.પી.વાઘેલાએ જણાવ્યું હતું.

એક સમયે 200 ઉપરાંત હરણની સંખ્યા હતી જે આજે માત્ર 25 છે

સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છના મોટા રણમાં જ હરણ જોવા મળે છે. હરણ સિડયુલ વનની કેટેગરીમાં આવે છે. એક સમયે આ વિસ્તારમાં ૨૦૦ ઉપરાંત હરણની સંખ્યા હતી પરંતુ છાશવારે શિકારની ઘટનાઓ બનતા આજે માત્ર ૨૫ હરણ બચ્યા છે. જે ચિંતાનો વિષય છે. આ વિસ્તારમાં વસતા હરણને બચાવવા ખૂબ જ જરૃરી હોવાનું વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ કનૈયાલાલ રાજગોરે જણાવ્યું હતું.

Tags :