લ્યો બોલો ! પાટણ જિલ્લાની પાંચ પાલિકામાં તાલીમી ફાયર સ્ટાફનો અભાવ
- તપાસ દરમિયાન ગંભીર ત્રુટીઓ બહાર આવી
- આકસ્મિક ઘટના બને ત્યારે એકમાત્ર પાટણ પાલિકાના ફાયર ફાઈટર પર આધાર રાખવો પડે છે
પાટણ,તા.26 મે 2019, રવિવાર
સુરતની આગની ઘટનામાં સુરત ફાયર ફાઈટર વિભાગ પર દોષનો ટોપલો નાખી ૨ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા ત્યારે ફાયર ફાઈટર પાટણની સ્થિતિ શું છે તેનો રિયાલિટી ચેક કરતા પાલિકાની ઘણી ત્રુટીઓ બહાર આવી જેમાં આ વિભાગમાં કોઈ સ્ટાફ નથી.
પાટણ પાલિકાના વાહન શાખાની કામગીરી સંભાળતા ક્લાર્ક નીતિનભાઈએ જણાવેલ કે પાટણ પાલિકા પાસે પુરતા ફાયર ફાઈટર છે પણ ટ્રેન્ડ સ્ટાફનો અભાવ છે. ૩ ફાયર બુલેટ ૨ બાઉજર ૨ મીની ફાઈટર ૨ પાણીના ટેન્કર ૮ ફાયર છે જ્યારે ૧૩ લાખના ખર્ચે ૨ હોડી પણ છે.
જ્યારે મહેકમમાં માત્ર ૩કાયમી કર્મચારી છે પરંતુ આ કાયમી ૩ કર્મચારી પાસે કોઈ જ તાલીમ નથી. સરકાર દ્વારા આઉટ સોર્સીંગમાં ૪ ફાયર ફાઈટર હેલ્પર આપવામાં આવ્યા છે પરંતુ આ કર્મીઓ તરવૈયાની કામગીરી કરી શકતા નથી. આ ઉપરાંત પાટણ નગરપાલિકામાં ફાયર ઓફીસરની પોસ્ટ જ નથી. પાલિકાના ફાયરના સાધનોની રિયાલિટી ચેક કરતા અહીં માત્ર ૨ મજલા સુધી કામ થઈ શકે તેવી સાધનસામગ્રી છે પણ પાટણમાં ૬ માળ સુધી પરવાનગી મળી છે ત્યારે ઊંચી સીડી નેટ સહિત વિવિધ સામગ્રીનો અભાવ છે.
અહીં ડિઝાસ્ટર વિભાગે હોડી આપી છે પરંતુ આ હોડી જે ૧૩ લાખની છે તે ધોળા હાથી સમાન સાબિત થાય તેમ છે. કારણ કે અહીં બિનઉપયોગી રીતે પડી છે. ખરેખર આ હોડીને ઉપયોગ માટે નર્મદા કેનાલ નજીક મુકવી જોઈએ. પાટણ જિલ્લામાં ૫ નગરપાલિકામાં ફાયર ફાઈટરની કામગીરીમાં ચાણસ્મા હારીજ, રાધનપુર, સિદ્ધપુર પાલિકામાં પણ ટ્રેન્ડ સ્ટાફની ભરતી થઈ નથી. પાટણ જિલ્લામાં ૫ નગરપાલિકામાં સ્ટાફનો અભાવ જોવા મળ્યો છે. સરકાર કરોડો રૃપિયાની ગ્રાન્ટના સાધનો આપે છે પણ ભરતી જ થતી નથી. પાટણ જિલ્લા વહિવટીતંત્રએ ટયુશન તેમજ બિલ્ડીંગો પર એક્શન લઈ કામગીરી કર્યાનો દેખાડો કર્યો છે પણ પાલિકાની માળખાગત સુવિધાઓમાં અનેક ત્રુટીઓ જણાઈ છે.