પાટણ જિલ્લા પંચાયતના કોંગી બળવાખોરોને ૩ મહિનાનું જીવતદાન
- કમિટીઓ બનાવવાનો રસ્તો સાફ
- કોંગ્રેસની અરજી સામે હાઈકોર્ટે ત્રણ મહિનામાં પક્ષોતર ધારાનો નિર્ણય કરવા આદેશ કર્યો
મહેસાણા, તા.17 જુલાઇ 2018 સોમવાર
પાટણ જિલ્લા પંચાયતમાં કોંગી બળવાખોરો વિરૃધ્ધની કોંગ્રેસની રજૂઆત મામલે હાઈકોર્ટે પક્ષોતર ધારાનો નિર્ણય ત્રણ મહિનામાં પૂર્ણ કરવા દીશા સુચન આપ્યુ છે. જેને પગલે આજે ભાજપ અને કોંગી બળવાખોરો વિધીવત કમિટીઓ બનાવશે. ત્રણ મહિના સુધી બળવાખોરોને જીવતદાન મળ્યાનુ માનવામાં આવી રહ્યુ છે.
પાટણ જિલ્લા પંચાયતમાં આજે બુધવારે સામાન્ય સભા મળશે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગી બળવાખોરોના મતો અકબંધ રાખવા મથી રહેલા કોંગ્રેસી આગેવાનોને થોડી પીછેહઠ અને થોડી રાહત થઈ છે. હાઈકોર્ટે પક્ષાંતરધારાનો કેસ ત્રણ મહિનામાં પૂર્ણ કરવા ગાંધીનગર સ્થિત નામોનિર્દેશ સચિવને સુચના આપી છે. આ સાથે પક્ષાંતરધારાનો જે નિર્ણય આવે તે કોંગી બળવાખોરોને બંધનકર્તા થશે. આ તરફ ભાજપ અને કોંગી બળવાખરોઓને હાલ પુરતી મુશ્કેલી ટળી જતા વિધિવત કમિટીઓ બનાવવાની તૈયારી આદરી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બળવાખોરોના મતો અકબંધ નહી રહેતા કોંગ્રેેસ કમિટીની ચુંટણીમાં નહી ઝંપલાવતા બિનહરીફ થવાની સંભાવના છે. કોંગ્રેસે ગણતરી માંડી છે કે ત્રણ મહિના સુધી કમીટીઓથી જિલ્લા પંચાયતમાં રાજ કરી લીધા બાદ બળવાખોરોનુ સભ્યપદ રદ થઈ જશેે. આવા સંજોગોમાં પાટણ જિલ્લા પંચાયતમાં પેટા ચુંટણી અથવા તો લોકસભાની પૂર્વ તૈયારી જોતા સભ્યોની ઉથલપાથલ થઈ શકે છે.