ટપક સિંચાઈ માટે પ્રમાણપત્ર મરજિયાતનો પરિપત્ર વીજ કંપનીને ન કરાતાં ખેડૂતોને ધરમધક્કા
નવીન વીજ જોડાણ માટે ખેડૂતો પૂછપરછ કરે છે ત્યારે સ્પષ્ટ જવાબ ન મળતા રોષ
ચાણસ્મા,
તા. 8 ડિસેમ્બર, 2018,શનિવાર
ગુજરાત સરકારે ચાલુ સાલે રાજ્યભરમાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલી
દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જાહેર કરેલા ડાર્ક ઝોન વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની
પાબંધી ઉઠાવી લઈ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે.
નવા વીજ જોડાણ મેળવવાના કિસ્સામાં ટપક સિંચાઈથી ખેતી કરવા માટે ખેડૂત પાસેથી
બાંહેધરી પત્રક મેળવવા માટેની જાહેરાત કરી હતી પરંતુ તેમાં પણ ઉ.ગુ. વીજ કું.ને નવા
વીજ જોડાણમાં બાંહેધરીપત્રક મરજીયાત બનાવવાનો નિર્ણય કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી
ફેલાઈ છે.
ચાલુ સાલે બહુચરાજી તાલુકામાં અર્ધઅછત અને ચાણસ્મા તાલુકામાં વરસાદ ન થવાના કારણે સંપૂર્ણ અછતગ્રસ્તની પરિસ્થિતિ ઉભી થઈ છે. એકબાજુ આ બંને તાલુકામાં નર્મદાની કેનાલમાંથી સિંચાઈ માટે ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી.
તેમજ કેનાલોમાં બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં
ગેરરીતિ આચરવાના કારણે કેનાલો વારંવાર તૂટી જવાની ચારેબાજુથી ફરિયાદો ઉઠી છે. ખેતી
માટે માત્ર આઠ કલાક વીજ પુરવઠો મળે છે. આ બંને તાલુકાઓમાં પાતાળકૂવાઓ એકમાત્ર ખેતી
પાક બચાવવા આધાર છે.
આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ બંને તાલુકાઓમાં નવીન પાતાળકૂવાઓ બનાવવા તથા વીજ જોડાણ માટે છુટછાટ જાહેર કરવામાં આવી છે. પાણીના તળ ઉંચા આવવાને કારણે હવે ખેડૂતો ઓછા ખર્ચે ૨૦૦થી ૩૦૦ ફૂટના બોર બનાવી રહ્યા છે અને તેના ઉપર ૧૫થી ૩૦ હો.પા. ની મોટરની માગણી કરવામાં આવે છે.
મટીરીયલ્સના અભાવે બંને તાલુકાઓમાં નવીન વીજ જોડાણ
આપવાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે અને મોટાભાગના ખેડૂતોને ચાલુ સીઝનમાં નવીન વીજ
જોડાણ મળે તેવા કોઈ અવકાશ જણાતા નથી જેથી ખેડૂતોની હાલત દયનીય બની છે.
નવીન વીજ જોડાણ મેળવવા દરેક ગ્રાહકે ફરજીયાત ટપક સિંચાઈથી ખેતી કરવામાં આવશે તેવી બાંહેધરી ઉ.ગુ. વીજ કંપની દ્વારા લેવામાં આવે છે. પરંતુ વર્તમાન દુષ્કાળ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ પ્રમાણપત્રને મરજીયાત બનાવવામાં આવ્યું છે.
પરંતુ
હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ઉ.ગુ. વીજ કું.ને આવો કોઈ પરીપત્ર કરેલ નથી જેના કારણે
વીજ જોડાણની પ્રતિક્ષા કરનાર ખેડૂતો કચેરીના ચક્કર કાપી રહ્યું છે. પરંતુ અધિકારીઓ
આ બાબતે કચેરીને કોઈ સુચના મળેલ નથી તેવું જણાવે છે.