શૌચાલયના કૂવામાં ડૂબી જતાં પતિ-પત્નિ સહિત એક જ પરિવારના પાંચના મોત
- સમી તાલુકાના ગુજરવાડા ગામે બનેલો અત્યંત કરૃણ બનાવ
- સિંધવ નાળોદા પરિવારની મહિલા અકસ્માતે પડી તેને બચાવવા પડેલા પાંચના મોત, એક ઘાયલને બચાવાયા
રાધનપુર,
તા. 17 સપ્ટેમ્બર ૨૦૧૯,
મંગળવાર
સમી તાલુકાના ગુજરવાડા ગામે કાળજુ કંપાવી જાય તેવી ઘટના પ્રકાશમાં
આવી છે. જેમાં સિંઘવ નાળોદા પરિવારની એક મહિલા અકસ્માતે ઘરની પાછળ બનેલા શૌચાલયના કૂવામાં
પડી ગઈ હતી. તેમની બૂમાબૂમ સાંભળ્યા બાદ તેમના પતિ તેમને બચાવવા પડયા હતા. બાદમાં પરિવારના
અન્ય ચાર સભ્યો પણ બંને પતિ-પત્નિને બચાવવા કૂદી પડયા હતા. જેમાં પતિ-પત્નિ સહિત પાંચના
મોત થયા છે. જ્યારે એકને બચાવી લેવામાં તબીબોને સફળતા મળી છે.
અત્યંત કરૃણ બનાવની વધુ વિગત મુજબ સમીના ગુજરવાડા ગામે રહેતા સિંધવ રંજનબેન રતાભાઈ (ઉ.વ. 40) તેમની ઘરની પાછળ આવેલ શૌચાલયમાં શૌચક્રિયા કરવા જઈ રહ્યા હતા. ત્યારે શૌચાલયની પાસે બનેલા શૌચ કૂવામાં અકસ્માતે માટી ધસતા પડી ગયા હતા. અંદર પડી ગયા બાદ તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી તેમના પતિ સિંધવ રતાભાઈ જેઓ બરોડા ગ્રામીણ બેંકમાં નોકરી કરે છે તેઓ પણ શૌચ કૂવામાં કૂદી પડયા હતા પરંતુ અંદર પડયા બાદ ગેસના લીધે ગુંગણામણ વધારે હોવાથી બંને પતિ-પત્નિએ બૂમાબૂમ કરતા આસપાસ રહેતા પરિવારના અન્ય સભ્યો સિંધવ જામાભાઈ ગગજીભાઈ, રતાભાઈ જલાભાઈ, ચેહાભાઈ રાજાભાઈ પચાણભાઈ તથા ગગજીભાઈ પણ વારાફરતી કૂવામાં પડયા હતા. જેમાં એક વ્યક્તિને છોડી તમામના કરૃણ મોત થયા હતા. ઘટના બાદ તમામને સમીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ તબીબે પાંચને મૃત જાહેર કર્યા બાદ એકને પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડયા હતા.15 ફૂટ ખોદેલા કૂવામાં પડી જવાથી પાંચના મોતની ઘટના બાદ આસપાસના ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
નાયબ કલેક્ટર,
મામલતદાર, પોલીસનો
કાફલો ખડેપગે
ઘટનાની જાણ થતાં સમીની રેફરલ હોસ્પિટલમાં નાયબ કલેક્ટર, મામલતદાર, બીએસઓ, પોલીસ અધિકારીઓનો
કાફલો પહોંચી ગયો હતો. જોકે ઘટના બાબતે અધિકારીઓએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો.
સમીની રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટયા
સમીની રેફરલ હોસ્પિટલમાં આસપાસથી લોકોના ટોળા ઉમટી પડયા હતા.
તંત્ર ઉપર રોષનો ટોપલો નાખી રહ્યા હતા. જોકે ઘટનાની સંપુર્ણ જાણકારી હજુ પોલીસે પણ
આપી નથી.
ગેસના કારણે ગુંગળાવાથી મોત થયાનું પ્રાથમિક તારણ
શૌચ કૂવામાં ગેસ હોવાના લીધે ગુંગળાઈ જવાથી મોત થયાનું
તબીબોએ પ્રાથમિક તારણ આપ્યું ચે. માત્ર 15 ફૂટના કૂવામાં પાંચના મોત થતા નાના એવા
ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પાડોશી મહિલાને આઘાત લાગતા મોત
આ કરૃણ ઘટના બાદ મૃતકોની ઘરની બાજુમાં રહેતા નેણીબેન જોશીને
આઘાત લાગ્યો હતો. બાદમાં તેમને સમીની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરતા હૃદયરોગના
હુમલાથી મોત થયું હતું.
મૃતકોના નામ
1- સિંધવ રતાભાઈ જલાભાઈ, ઉ.વ. 41
2- સિંધવ રતાભાઈ દેવાભાઈ, ઉ.વ. 41
3- સિંધવ
રંજનબેન રતાભાઈ, ઉ. વ. 40
4-સિંધવ
રાજાભાઈ પંચાણભાઈ, ઉ.વ. 60
5- સિંધવ
અજાભાઈ ગગજાભાઈ, ઉ.વ. 45