Get The App

સરસ્વતી તાલુકાની નર્મદાની પાણી વિનાની કેનાલોમાં ખેડૂતો વોલીબોલ રમ્યા

રવિ સિઝનમાં સરકારે પાણી આપવાનો વાયદો કર્યો હતો

પાટણના ધારાસભ્યે કાર્યકર્તાઓની સાથે વિરોધ નોંધાવ્યો

Updated: Nov 25th, 2018

GS TEAM

Google News
Google News
સરસ્વતી તાલુકાની નર્મદાની પાણી વિનાની કેનાલોમાં ખેડૂતો વોલીબોલ રમ્યા 1 - image

પાટણ, તા. ૨૪ નવેમ્બર, ૨૦૧૮, શનિવાર

રાજ્ય સરકારે દિવાળીના સમયમાં ખેડૂતલક્ષી એક નિર્ણય લીધો હતો. જેમાં રવિ સીઝનમાં ખેડૂતોને નર્મદાની કેનાલો થકી સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી તી. જેને આજે ૧૦ દિવસ થઈ ગયા છતાં પાટણ જિલ્લાની નર્મદા અને સુજલામ્ સુફલામ્ કેનાલોમાં આજદિન સુધી પાણી નહિ છોડાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.  ખેડૂતોની આ વ્યથાને પાટણ જિલ્લા કોંગ્રેસ અને પાટણના ધારાસભ્ય દ્વારા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી. છતાં યોગ્ય ઉકેલ નહિ આવતા પાટણમાં ૨ દિવસ પહેલા બગવાડા દરવાજા પાસે ધરણા કર્યા હતા પણ તંત્રએ કોઈ કાર્યવાહી નહીં કરતા આજે એક આશ્ચર્યજનક કાર્યક્રમ  આપ્યો હતો. જેમાં પાટણ સરસ્વતી તાલુકાને જોડતી સુજલામ્ સુફલામ્ કેનાલમાં વોલીબોલ રમી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

ધારાસભ્યનું કહેવું છે કે સરકાર  કહે છે કે રાજ્યની કેનાલોમાં પાણી છોડાયા છે ત્યારે આજે પાટણની કેનાલ ખાલીખમ છે ત્યારે  સરકારને બતાવવા માંગતા હતા કે તમારા વાયદા કેટલા પોકળ છે.

આજે વડુ પાસે આવેલી કેનાલમાં  મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. કેનાલમાં ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો જેમા ટીમો બનાવીને વોલીબોલ રમ્યા હતા.

બાદમાં ધારાસભ્ય સહિત ખેડૂતો અને કાર્યકરોની વાગડોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા તમામને વાગડોદ પોલીસ મથકમાં લઈ જવાયા હતા અને તેમની સામે જુદી જુદી કલમો લગાવી હતી અને થોડા સમય બાદ તમામને છોડી મુકાયા હતા. 

ખેડૂતોએ જણાવ્યુ  કે સરકાર હજુ જાગશે નહિ તો  હજુ વધુ જલદ કાર્યક્રમો આપીશું.  ખેડૂતોનું એવું કહેવું છે કે સરકારની જાહેરાત બાદ  આ પંથકમાં એરંડા વાવ્યા હતા અને હવે તેને પાણીની જરૃરિયાત છે. ત્યારે પાણી નહીં મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂત દેવાદાર બનવા જઈ રહ્યો છે.

Tags :