રાધનપુર તાલુકાની મોટી પીંપળી શીનાડ કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોની માંગ
પાણીની માંગ માટે નર્મદા કચેરીના ધક્કા ખાઈને કંટાળેલા ખેડૂતોએ રામધૂન બોલાવી નાયબ કલેકટરને રજૂઆત કરી
રાધનપુર,
તા.રર નવેમ્બર, ૨૦૧૮, ગુરૃવાર
રાધનપુર તાલુકામાં શિયાળુ
પાક વાવીને પાણીની રાહ જોતા ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી નહી આવતા ઉગ્ર બન્યા હતા અને
પાણી છોડાવવા બાબતે રાધનપુર નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
રાધનપુર તાલુકાના મોટી પીંપળી અને શીનાડ ડીસ્ટ્રી કેનાલમાં પાણી છોડાવવાની માંગ સાથે રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે સવારે આવ્યા હતા. નર્મદા નિગમના અધિકારીઓને સદબુધ્ધિ આવે તેના માટે નાયબ કલેકટર કચેરી બહાર ખેડૂતોએ રામધુન બોલાવી અને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જેમાં ઉંચા ભાવે બિયારણો ખરીદીને રવી પાકનુ ખેડૂતોએ વાવેતર કર્યું છે.
જયારે પોતાના પશુઓના નિભાવ માટે ઘાસચારાનુ પણ વાવેતર ખેડૂતોએ કર્યુ છે. વાવેતર કરેલા પાકને પાણી આપવા મોટી પીંપળી ડીસ્ટ્રીકેનાલમાં પાણી આવવાની રાહ જોઈને પાંચે ગામના ખેડૂતો બેઠા છે. મોટી પીંપળી કેનાલમાં પાણી છોડવામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનુ પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. તાલુકા મથકની નજીક આવેલા પાંચેય ગામના ખેડૂતોને કેનાલ દ્વારા કયારેય પાણી મળ્યુ નથી.
આ બાબતે વારંવાર નર્મદા કચેરીમાં રજુઆતો કરી હતી. પરંતુ નિગમ દ્વારા કેનાલમાં પાણી આપવામાં આવ્યુ નથી જો તાત્કાલીક પાણી આપવામાં નહી આવે તો રવી પાક નિષ્ફળ જશે અને તમામ ગામના ખેડૂતો પાયમાલ બની જશે. જો કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ આવેદનપત્રમાં ખેડૂતોએ ધમકી ઉચ્ચારી હતી.
જયારે નાયબ કલેકટરને
રુબરુ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોરે જણાવેલ કે નર્મદા કેનાલોમાં
પાણી છોડવામાં વ્હાલા દવાલાની નીતિ અપનાવવામાં આવે છે. જયારે મોટી પીપીળી ડીસ્ટ્રી
કેનાલોમાં આ વરસે પાણી છોડવામાં આવ્યુ નથી. કેનાલોની સફાઈ કરવામાં આવી નથી.