Get The App

તલની ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં વ્યાપક નુકસાન

- સિદ્ધપુર-પાટણ હાઈવેના નેદ્રા ગામે બનેલો બનાવ

- પાક નિષ્ફળ જવાની તથા રોગચાળો ફેલાવાની ભીતિઃ વારંવાર ગ્રામજનોની રજૂઆત તંત્ર ધ્યાને લેતું નથી

Updated: Sep 8th, 2019

GS TEAM

Google News
Google News
તલની ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં વ્યાપક નુકસાન 1 - image

સિદ્ધપુર, તા. 7 સપ્ટેમ્બર 2019, શનિવાર

સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે આવેલ એક તલની ફેક્ટરીના માલિકોની મનમાની અને તંત્રને ઘોળીને પી ગયા હોય તેમ ખેતરોની બાજુમાં આવેલ તલની ફેક્ટરીમાંથી પ્રદૂષીત પાણી ખેતરોમાં છોડવામાં આવે છે. જે પાણી બહુ જ દુર્ગંધ સહિત કેમિકલયુક્ત પાણી હોવાથી ખેડૂતોની જમીન અને આરોગ્ય માટે ભયંકર હાનિકારક તેમજ આજુબાજુના ખેતરોમાં આવેલ પાકો નિષ્ફળ જવાના આરે છે. તેમજ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત જોવા મળી રહી છે. જે અંગે ગ્રામજનોએ તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર પાટણ હાઈવે પર આવેલ નેદ્રા ગામ પાસે એક તલની  ફેક્ટરીમાંથી પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતું હોઈ ગ્રામજનો ભેગા મળી આ બાબતે પાટણ કલેક્ટર, પ્રાંત સિદ્ધપુર, મામલતદાર તેમજ સરપંચ નેદ્રાને તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ કડક યોગ્ય પગલાં ન લેવાતા આજેપણ તે ફેક્ટરીઓના માલિકો દ્વારા તે તલની ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાય છે. જેથી આજુબાજુના ખેતરોમાં વાવેલ પાકો નિષ્ફળ તેમજ ખેતીની જમીનમાં આ પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરવાના કારણે બોરમાંથી નિકળતું પાણી પણ પ્રદૂષિત થવાથી ખેડૂતોને ખેતીમાં તેમજ નેદ્રા ગામના લોકોને આરોગ્ય ઉપર માઠી અસર થાય તેમ છે.

નેદ્રા ગામના લોકો દ્વારા લેખિત રજૂઆત છતાં પણ આ ફેક્ટરી બંધ થઈ નથી. તેમજ તંત્ર દ્વારા માલિક વિરુદ્ધ કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. જેથી પર્યાવરણ અને લોકોના આરોગ્યને વધુ નુકશાન ન થાય તે માટે આ ફેક્ટરીમાંથી નીકળતું કેમકિલયુક્ત પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેમજ ફેક્ટરીના માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ ઉઠાવી છે.

દોઢ વર્ષથી પ્રદૂષિત પાણી છોડાય છે

હાઈવે પર નેદ્રા ગામ પાસે આવેલ સર્વે નંબર ૨૪૦માં તલની ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પાણી છેલ્લા દોઢ વર્ષથી નીકળતું હોઈ હજુસુધી કોઈ પગલાં ન લેવાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

ટીડીઓ શું કહે છે?

સિદ્ધપુર તાલુકા પંચાયતના ટીડીઓએ જણાવેલ કે આ બાબતે અમોએ ૧૨-૭-૧૯ના રોજ પાલનપુર ગુજરાત પોલ્યુશન કંટ્રોલબોર્ડને જાણ કરવામાં આવી છે કે આ બાબતે સત્વરે કાર્યવાહી કરી યોગ્ય નિકાલ લાવવા જણાવેલ હતું.

યોગ્ય પગલાં ભરીશું

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડા અધિકારી રીજીયોનલ ઓફીસરે ટેલિફોનીક વાતચીતમાં જણાવેલ કે આ બાબતે તાત્કાલિક પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

જીપીસીબીને લેખીત જાણ કરાઈઃ સિદ્ધપુર પ્રાંત

આ બાબતે સિદ્ધપુર પ્રાંતને ટેલીફોનીકમાં પુછતાં તેઓએ જણાવેલ કે આ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ખેતરોમાં ભારે નુકશાન થતું હોઈ આ બાબતે પાલનપુર જીપીસીબીને લેખિત જાણ કરી યોગ્ય પગલાં લેવા જણાવેલ છે.

Tags :