પાટણમાં 1000 વર્ષથી ઉજવાતો દેવીપૂજક સમાજનો દિવાસો પર્વ મોકૂફ
- સિધ્ધરાજ જયસિંહના સમયથી ચાલતી પરંપરાને બ્રેક
- પ્રતિવર્ષ પીતામ્બર તળાવ નજીક સ્મશાનમાં દેશભરમાં વસતા લોકો એકઠા થાય છે
પાટણ, તા. 19 જુલાઈ 2020, રવિવાર
અષાઢ વદ ૧૪ એટલે દેવીપૂજક પટણી સમાજનો અતિ મહત્વનો દિવસ. સ્વજનોને કૃતજ્ઞાતાપૂર્વક સામુહિક શ્રધ્ધાંજલી આપવા માટે પવિત્ર ભુમિ પાટણમાં આજના દિવસે ગુજરાત સહિત ભારતભરમાં વસતા દેવીપૂજકો પાટણ આવે છે. દેવીપૂજક સમાજનું પર્વ પાટણમાં ૨ જગ્યાએ મનાવવામાં આવે છે. (૧) મોતીસા દરવાજા બહાર, ફુલમીયા હનુમાન મંદિર પાછલ અને પીતામ્બર તળાવ નજીક સ્મશાન આવેલ છે અને અહીં તેઓ સ્વજનના અસ્થિ કે સમાધિને ફૂલ, દીવો, અગરબત્તી, શ્રીફળનો ચઢાવો કરે છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે દેવીપૂજક સમાજે આજે આ તહેવાર મુલતવી રાખી દરેક સમાજને પ્રેરણારૃપ દાખલો બેસાડયો છે.
દિવાસા ઉજવવા પાછળનો હેતુ જોઈએ તો વડવાઓનું વચન નિભાવવા પૂર્વજોનું પૂજન, સ્વજનોનું સ્મરણ અને મૃતકોને યાદ કરી માન આપે છે. મૃતકના ઘરના સભ્યો અહીં બેસી તેમના સ્વજનને યાદ કરી અશ્રુ વહાવે છે ત્યારે વાતાવરણમાં એક જાતની ખામોશી છવાય છે. નાના બાળકો, મોટેરાઓ, મહિલાઓ, પુરુષો આજના દિવસે અહીં આવીને શ્રધ્ધાંજલી આપે છે. આ પરંપરા ૧૦૦૦ વર્ષથી ચાલી આવી છે. આ દેવીપૂજક સમાજ સિધ્ધરાજ જયસિંહના વખતથી આ રીતે અનોખો પ્રસંગ મનાવે છે. દિવાસો ઉજવવા પાટણમાં એકઠા થતા દેવીપૂજક સમાજ દ્વારા પ્રતિ વર્ષ મેળા જેવું વાતાવરણ જામે છે. પરંતુ નિરક્ષર ગણાતો સમાજમાં ગજબની આત્મસુજ દાખવી દિવાસાનું પર્વ કોરોના મહામારીને પગલે મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.