મુંબઈથી આવેલા પાટણ જિલ્લાના ભીલવણના યુવાનને કોરોના પોઝીટીવ
- 15મી માર્ચે મુંબઈથી આવ્યો છતાં હોમ ક્વોરોન્ટાઈન કરાયો ન હતો
- સિદ્ધપુરની તમન્ના સોસાયટીને સીલ કરી પ્રત્યેક પરિવારના લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું, સિદ્ધપુર સહિત 4 ગામોમાં એલર્ટ
સિદ્ધપુર,પાલનપુર,તા.04 એપ્રિલ 2020, શનિવાર
પાટણ જિલ્લામાં કોરોનાનો સૌપ્રથમ કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનો એક યુવક ૧૫મી માર્ચે મુંબઈથી સિદ્ધપુર આવ્યો હતો. જેમાં યુવકને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો ન હતો. પરંતુ બિમારી વધી જતાં ૪૭ વર્ષીય યુવક ધારપુર સિવિલ પહોંચ્યો હતો. જેમાં તેનુ મેડિકલ ચેકઅપ કરતા શનિવારે રિપોર્ટ પોઝીટીવ આવતા ચકચાર મચી ગઈ હતી. જેને લઈ આરોગ્ય વિભાગ પર અનેક સવાલ ઉભા થયા છે.
સરસ્વતી તાલુકાના ભીલવણ ગામનો વતની અને મુંબઈ ખાતે રહેતો ૪૭ વર્ષીય યુવક ૧૫મી માર્ચે મુંબઈથી સિદ્ધપુર આવ્યો હતો. જેમાં સિદ્ધપુરથી તાવડીયા રસ્તા પર આવેલ તમન્ના બંગલોઝમાં તેમના સંબંધીને ત્યાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રહેતો હતો. જોકે છ દિવસ પોતાના વતન ભીલવણ ખાતે પણ રોકાયો હતો. તેમજ યુવક પોતાના સાસરુ ચાટાવાડામાં કેટલાક દિવસ રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં યુવકને શુક્રવારે શરદી-ખાંસીની તકલીફ જણાતા સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાંથી ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જેમાં યુવકના સેમ્પલ લીધા બાદ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં શનિવારે રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધા મચી ગઈ હતી. ત્યારબાદ યુવકને ધારપુર ખાતે આીસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. જેને લઈ તાત્કાલિક શહેરની તમન્ના સોસાયટીની સીલ કરવામાં આવી હતી. અને પાલિકા દ્વારા સોસાયટીમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. જ્યારે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ વિસ્તાર આસપાસના તમામ માર્ગો પોલીસ દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે તેમજ યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરી તબીબી ચકાસણી શરૃ કરવામાં આવી છે.
કોરોના પોઝીટીવ યુવાનની 15 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી
યુવાન તેની બહેનના ઘરે, સાસરી તેમજ તબેલામાં અનેક લોકોને મળ્યો હતો
પાટણ જિલ્લાનો પ્રથમ કોરોનાનો પોઝીટીવ કેસ લુકમાન અબ્દુલ રહેમાન અરેડીયાનો નોંધાતા સમગ્ર તંત્ર હરકતમાં આવી જઈ તાત્કાલિક આ વ્યક્તિની છેલ્લા ૧૫ દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢી તપાસ હાથ ધરી હતી. જેમાં આ ઈસમ ૧૯-૩-૨૦૨૦ના રોજ મુંબઈથી પોતાની બહેનના ઘરે સિદ્ધપુર તમન્ના સોસાયટીમાં આવ્યો હતો. ત્યારબાદ દરરોજ સિદ્ધપુર નજીકના સમોડા ગામે જઈ તબેલામાં કામ કરતો હતો અને ૧ દિવસ પોતાની સાસરી ચટાવડા ખાતે પણ રોકાયો હતો. જ્યારે તેને ૨૬-૩-૨૦૨૦ના રોજ સિદ્ધપુરના ૧ પ્રાઈવેટ હોસ્પિટલ તથા સમોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી. પરંતુ તબિયતમાં સુધારો ના જણાતા છેલ્લે ૨-૪-૨૦૨૦ના રોજ સિદ્ધપુરના શિફા હોસ્પિટલમાં દાખલ તથા કોરોનાના લક્ષણો જણાતા તાત્કાલિક ધારપુર ખાતે રીફર કરેલ છે.
તમામ 4 વિસ્તારમાં કોરોનાના શંકાસ્પદ બોર્ડ લગાવાયાઃ છ ટીમો દ્વારા સર્વે
સિદ્ધપુર ખાતેની તમન્ના સોસાયટીના યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા આખી સોસાયટીને કવર કરવામાં આવી છે. અને પાલિકા દ્વારા સોસાયટી વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. તેમજ સોસાયટી આગળ કોરોના શંકાસ્પદ છે તેવું બોર્ડ લગાવી આરોગ્યની ટોટલ છ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમજ સ્થળ તપાસ કરી જરૃરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
સિદ્ધપુરના ઈસમને શા માટે હોમ ક્વોરોન્ટાઈન ના કર્યો?
પાટણ જિલ્લામાં આરોગ્ય તંત્રએ લાખો વ્યક્તિના ઘેરઘેર પહોંચી સર્વે કર્યા હતા. જેમાં અનેક લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરી કોરોના સામે કવાયત હાથ ધરી હોવાનો દાવો કર્યો હતો. જોકે મુંબઈથી ગત ૧૫ માર્ચે સિદ્ધપુર આવેલ આ ઈસમને કેમ હોમ ક્વોરોન્ટાઈન ના કર્યો? આ વ્યક્તિના કારણે તેના પરિવાર સહિત સોસાયટીના રહીશોને ચેપ લાગ્યો તેના જવાબદારો કોણ? આવા અનેક સવાલ આરોગ્ય વિભાગ સામે ઉભા થયા છે.
સંપર્કમાં આવેલ પરિવારના 10 ક્વોરોન્ટાઈલ, 4 શંકાસ્પદ
આ ઈસમ દ્વારા મુંબઈથી આવ્યા બાદ સંપર્કમાં આવેલ તેની બહેનના પરિવારના ૬ લોકો તથા ૧ દિવસ માટે સાસરીમાં જતા ચટાવડાના ૪ લોકો મળી કુલ ૧૦ લોકોને સિદ્ધપુર નર્સીંગ કોલેજમાં ક્વોરોન્ટાઈલ કરાયા હતા. ત્યારબાદ તમામને ધારપુર મેડીકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા.
તમન્ના સોસાયટીના તમામ મકાનો સેનેટાઈઝ કરાયા
સિદ્ધપુરમાં ભીલવણનો યુવાન મુંબઈથી તેના સંબંધીના ત્યાં તમન્ના સોસાયટીમાં ઉતરતા આખી સોસાયટીને તંત્ર દ્વારા કોર્ડન કરી લોક કરી દેવામાં આવી છે. જ્યારે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આખી સોસાયટીને સેનિટાઈઝર કરવામાં આવી છે. તેમજ તે સોસાયટીનો તાવડીયા ચોકડીનો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. જે આ યુવાનને ધારપુર પાટણ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
આસપાસના ગામોમાં ફફડાટ, ગામલોકોએ રસ્તા બંધ કર્યા
સિદ્ધપુરમાં પાટણ જિલ્લાનો કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાગ્રસ્ત યુવક સરસ્વતી તાલુકાના ભીલવણ ગામનો હોવાથી આસપાસના ગામડાઓ એલર્ટમાં મુક્યા છે. જેને લઈ દશાવાડાથી કાલેડા અને કાલેડાથી વદાણીવાળો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તો કોરોનાગ્રસ્ત યુવક સિદ્ધપુરમાં રહેતો હોવાથી સિદ્ધપુર સહિત સમોડા ગામમાં ફફડાટ ફેલાયો છે.