સિધ્ધપુરના કોરોનાગ્રસ્ત યુવક વિરુધ્ધ ટ્રાવેલ્સ હિસ્ટ્રી છુપાવવા બદલ ફરિયાદ દાખલ
- પરિવારના 6 સભ્યોના સેમ્પલ પૈકી 4 ના રિપોર્ટ નેગેટીવ આવ્યાઃ બે સભ્યોના રિપોર્ટ પેન્ડીંગ
- યુવકના પરિચયમાં આવેલ બનાસકાંઠા, પાટણના નવ અને મુંબઈના ચાર વ્યક્તિઓ કોરોન્ટાઈન હેઠળ રખાયા
પાલનપુર, તા.05 એપ્રિલ 2020, રવિવાર
કોરોના વાઈરસના કહેર વચ્ચે મુંબઈથી સિધ્ધપુર આવેલ એક યુવકને કોરોનાના લક્ષણ જણાતા તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આ ૪૭ વર્ષીય શખસને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જોકે મુંબઈના કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવેલા આ યુવકે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હોઈ આરોગ્ય વિભાગ દ્વારા તેના વિરુધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પાટણ જિલ્લાના વદાણી-લક્ષ્મીપુરાનો વતની અને સિધ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતો એક ૪૭ વર્ષીય શખસ મુંબઈના કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવ્યા બાદ તેની તબિયત બગડતા તેને સેમોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સિધ્ધપુરની સીફા હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જ્યાં તેને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા તેને ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે આ યુવકે પોતાની ટ્રાવેલ હીસ્ટ્રી છુપાવી હોઈ સેમોડા આરોગ્ય કેન્દ્રમાં આયુષ તબીબ ડો. યુ.એસ. નાયક દ્વારા સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જોકે આ યુવક સિધ્ધપુર આવ્યા બાદ સગાવ્હાલા અને મિત્રોને મળ્યો હોઈ તેનાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા આ યુવકની સઘન પુછપરછ કરવામાં આવી છે અને તેના મોબાઈલ કોલ ડિટેલના આધારે શંકાસ્પદોની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. જેમાં આ યુવક સિધ્ધપુરની સીફા હોસ્પિટલમાં સારવાર માટે ગયો ત્યારે એક યુવતી સહિત ત્રણ વ્યક્તિ ચેપગ્રસ્ત બન્યા હોઈ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે તેમજ વડગામ તાલુકાના મજાદરના ફૈયાઝ અમીન નાંદોલિયા અને છાપીનો યાશીન નાંદોલિયા આ યુવકના સંક્રમણમાં આવ્યો હોય આ બન્નેને પણ કોરોન્ટાઈનમાં રખાયા છે.
કોરોનાગ્રસ્ત યુવક મુંબઈથી 19 માર્ચના સિધ્ધપુર આવ્યો હતો
પાટણ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિવિ કેસ ધરાવતો યુવક તા. ૧૯ માર્ચના રોજ મુંબઈથી સિધ્ધપુર આવેલો ૪૭ વર્ષીય આ વ્યક્તિને તાવ આવવાના કારણે તા. ૨૬ માર્ચના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી ત્યારબાદ શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થતા તા. ૩ એપ્રિલના રોજ ધારપુર જનરલ હોસ્પટિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા જિલ્લાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
તમન્ના સોસાયટીના 228 વ્યક્તિને કોરોન્ટાઈન કરાયા
પાટણ જિલ્લામાં કોરોના વાયરસના પ્રથમ પોઝિટિવ કેસવાળો દર્દી મુંબઈથી આવ્યા બાદ સિધ્ધપુરની તમન્ના સોસાયટીમાં રોકાયો હોવાથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સોસાયટીના કુલ ૪૬ ઘરના ૨૨૮ વ્યક્તિઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત ૧૦ જેટલા ઈન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્ષ સહિત સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ કલસ્ટર ઝોન જાહેર કરાયા છે.
યુવકના પરિવારના ૬ સભ્યોના સેમ્પલ લેવાયા
મુંબઈથી આવેલા સિધ્ધપરના યુવકને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા તેના પરિવારના ૬ સભ્યોનો ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ચારના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે બે રિપોર્ટ પેન્ડીંગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
કોરોના દર્દીની સોસાયટી ગંદકીમાં ગરકાવ
મુંબઈથી આવેલા કોરોના પોઝિટિવ દર્દી સિધ્ધપુરમાં જ્યાં તમન્ના સોસાયટીમાં રહે છે ત્યાં ચોમેર ગંદકી ખદબદી રહી છે. જેને લઈ આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે પાલિકા દ્વારા અહીંની ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.