સમી તાલુકાના નાની ચંદુરમાં અઢી કરોડની ઉચાપત કરનાર મંડળીના મંત્રી સામે ફરિયાદ
બનાવટી રેકર્ડ ઉભુ કરી સભાસદોની જાણ બહાર ધીરાણ ઉપાડી કૌભાંડ આચર્યું
રાધનપુર,તા.૧૯ ડિસેમ્બર,
૨૦૧૮, બુધવાર
પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ખાતે ચાલતી સેવા સહકારી
મંડળીના મંત્રી દ્વારા ખોટુ રેકર્ડ ઉભુ કરી સભાસદોના નામે ધીરાણ ઉપાડયું હતું. જ્યારે
મંડળીની બંધ સીલક પણ મંત્રીએ પોતાના અંગત ઉપયોગ માટે વાપરીને અઢી કરોડ જેટલી મંડળીમાં
ઉચાપત કરી હોવા બાબતે મંડળીના પ્રમુખે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
નાનીચંદુર સેવા સહકારી મંડળીના પ્રમુખ ઠાકોર રામસંગજી ભાવસંગજીએ કરેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર મંડળીનું ઓડીટ તા.૧-૪-૧૫ થી ૩૧-૩-૧૮ સુધીનું જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી પાટણના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઓડીટ દરમિયાન મંડળીના મંત્રી કાન્તીલાલ અંબારામ સચ્ચદેએ મંડળીની
ધીરાણ પ્રવૃત્તિ ખોટુ રેકર્ડ ઉભુ કરી સભાસદોના નામે રૃપિયા ૨,૩૯,૨૧,૩૦૦ ઉપાડી નાણાકીય
ઉચાપતકરી હોવાનું માલુમ પડયું હતું.
જ્યારે તા.૬-૯-૧૮ની મંડળીની બંધ સીલક રૃ.૧૦,૪૮,૦૧૮ હતી જે મંત્રીએ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી હતી. આ બાબતે મંડળીના પ્રમુખ દ્વારા ધીરાણના બાકીદારોને ગામ ભેગુ કરીને પુછવામાં આવતા કેટલાક સભાસદોએ મંડળીમાં ધીરાણ મેળવેલ નથી અને મંત્રીએ તેમના નામે ખોટા બેન્કમાં ખાતા ખોલાવી અભણ સભાસદોના અંગુઠા મારી મંડળીમાંથી ખોટી રીતે ધીરાણ ઉપાડયું હતું.
જ્યારે કેટલાક સભાસદોએ ઉપાડેલ ધીરાણની રકમમાં પણ સભાસદે અડધુ ધીરાણ લીધું હતું. જ્યારે બાકીનું ધીરાણ મંડળીના મંત્રીએ ઉપાડી વાપર્યું હોવાનું સભાસદોએ જણાવ્યું હતું.
નાની ચંદુર સેવા સહકારી મંડળીના મંત્રી કાન્તીલાલે મંડળીના રૃપિયા
૨,૪૯,૬૯,૩૧૮ની ઉચાપત કરી હોવાનું
ઓડીટમાં સામે આવ્યું હતું. નાની ચંદુર સેવા સહકારી મંડળીમાં ઉચાપત કરનાર મંત્રીએ સભાસદોના
નામે ખોટા રેકર્ડ ઉભા કર્યા હોવાનું તપાસમાં માલુમ પડતા આ બાબતે મંડળીના પ્રમુખે સમી
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.