રાધનપુર,તા.22 એપ્રિલ 2020, બુધવાર
કોરોના મહામારીને કારણે લોકડાઉન થતા મજુરી કામે આવેલા પરપ્રાંતીય મજૂરોની હાલત કફોડી બની જવા પામી છે. રાધનપુર તાલુકાના ગુલાબપુરા ખાતે ઈટવાડમાં મજૂરી કરવા આવેલ ઉત્તર પ્રદેશના મજૂરોની હાલત ઈટવાડાનું કામ બંધ થતા દયનીય બનવા પામી હતી. સ્થાનિક તંત્ર દ્વારા મજૂરીની સહાય કરવામાં ના આવતા અંતે મજૂરો દ્વારા દિલ્હી હેલ્પ લાઈનમાં ફરિયાદ કરતા સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. અને બાળકો સહિત ૨૦ લોકોને પ્રાથમિક શાળામાં રહેવાની સગવડ કરવામાં આવી હતી.
રાધનપુર તાલુકાના ગુલાબપુરા ખાતે આવેલ ઈટના ભઠ્ઠામાં મજૂરી કામ અર્થે ઉત્તર પ્રદેશથી મજૂરોને લાવવામાં આવ્યા હતા. છેલ્લા એકાદ માસથી કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થતા ઈટના ભઠ્ઠો બંધ થતા એકાદ માસથી સ્થાનિક લોકોના ખેતરોમાં મજૂરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારોને કેટલાકદિવસથી એક ટંકનુ ખાવાનું પણ નસીબ ના થતા શ્રમિક પરિવારના સભ્યએ કેન્દ્ર સરકારની હેલ્પ લાઈનમાં ફરિયાદ કરી હતી. જેને લઈ દિલ્હીથી શ્રમિકોની સગવડ કરવાનો આદેશછૂટતા સ્થાનિક તંત્રદોડતું થયું હતું. અને ખેતરોમાં છાપરાવાળીને રહેતા પરિવારોની તપાસકરતા ભુખે ટળવળતા બાળકો અને મહિલા સહિત ત્રણેક પરિવારના વીસેક લોકો છાપરામાંથી મળી આવ્યા હતા. તમામ લોકોને તાત્કાલિક તલાટી અને સરપંચ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં રહેવાની સગવડ કરી આપવામાં આવી હતી. જ્યારે શ્રમિક પરિવારના સભ્યો માટે જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા આજે સરપંચ દ્વારા તમામ લોકોને જમાડવામાં આવ્યા હતા. જ્યારે રાધનપુર ખાતે ગરીબ પરિવારોને જમાડવાની સેવા કરતી રામ સેવા સમિતિને પણ આ વીસ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવા જાણ કરવામાં આવી હતી. પરંતુ જમવાનું રાધનપુર લેવા જવાનું રામ સેવા સમિતિના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઈ હજુસુધી ગુલાબપુરામાં રાખેલા શ્રમિક પરિવારના વીસેકલોકો માટે ભોજનની યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી ના હતી. સરકાર દ્વારા શ્રમિક પરિવારો માટે નીત નવી જાહેરાતો કરીને તમામ પરિવારોને ભોજન આપવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ ગુલાબપુરામાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોની હાલત જોતા સરકારી જાહેરાતો ઠગારી નીવડી હોવાનું જણાઈ રહ્યું છે.
શ્રમિકનુ શુ કહેવું છે?
ઈંટો પાડવા માટે મજૂરી કામે આવ્યા હતા અને કામગીરી બંધ થતા ખીસ્સામાં પૈસા હતા ત્યાં સુધી ખાતા હતા હવે પૈસા પુરા થતા ભુખને કારણે બાળકો અને મહિલાઓની હાલત કફોડી બની જવા પામી હતી. જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સગવડ ના મળતા દિલ્હી હેલ્પ લાઈનમાં ફોન કર્યો હતો. જેને લઈ આજે અમારી ખબર અંતર પુછવા સરકારી સાહેબો આવ્યા હતા અને અમોને રહેવા માટે સ્કૂલમાં લાવ્યા છે. ભોજનની હજી ચોક્કસ વ્યવસ્થા થયેલ નથી. જો કરીયાણું અને શાકભાજી અમોને આપવામાં આવે તો હાથે રાંધીને ખાઈ લેથું તેવું કીતાબસીંગે જણાવ્યું હતું.


