Get The App

કારોબારી, સહકાર અને શિક્ષણ સમિતિઓ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી

- પાટણ જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી

- બેઠકમાં મનરેગા યોજનાનું 24.46 કરોડનું લેબર બજેટ મંજૂર કરાયું

Updated: Sep 17th, 2019

GS TEAM

Google News
Google News
કારોબારી, સહકાર અને શિક્ષણ સમિતિઓ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી 1 - image

પાટણ,તા. 16 સપ્ટેમ્બર 2019, સોમવાર

પાટણ જિલ્લા પંચાયતના સ્વર્ણીમ હોલ ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વની ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જ્યાં વિપક્ષ અને શાસકપક્ષ વચ્ચે સમિતિઓની રચના માટે મતદાન પ્રક્રિયા થતાં આ ત્રણેય સમિતિઓ શાસકપક્ષના ફાળે ગઈ છે. આ ઉપરાંત આબેઠકમાં એજન્ડા પરના વિવિધ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં મહત્વની ત્રણ સમિતિઓ છીનવવામાં ભાજપ સફળ રહ્યું હતું.

પાટણ જિલ્લા પંચાયતની સામાન્યસભાની બેઠક પ્રમુખ વિનુ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પરના ૧૦ જેટલા કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો કેટલાક કામોમાં વિપક્ષના નેતાઓએ પોતાનો વાંધો દર્શાવી આક્ષેપો રજુ કરતાં થોડા સમય માટે સભામાં ચકમક ઝરવા પામી હતી. જેમાં બાંધકામ સમિતિના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે વિપક્ષના નેતાએ ધારદાર રજૂઆત કરી રાજકીય ઓથા હેઠળ નિર્ણય લેવામાં આવે છે તેવા આક્ષેપો કરતા પ્રમુખ અને વિપક્ષના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.

આ બેઠકમાં વિપક્ષના સભ્યએ શિક્ષણ સમિતિમાં બદલીઓમાં થતી ગેરરીતિ બાબતે ખુલાસો માંગતા થોડા સમય માટે ચકમક ઝરવા પામી હતી. તો જિલ્લા પંચાયત ખાતે આવેલ શિક્ષણ સમિતિની ઓફિસમાં સુવિધાઓ બાબતે વિપક્ષના સભ્યએ રજૂઆત કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ અને વિપક્ષના નેતા વચ્ચે વાકયુદ્ધ થયું હતું. આ ઉપરાંત ખેડૂતોની સહાય વધારવાના મુદ્દે ચર્ચાઓ થતાં વિપક્ષે સબસીડી બાબતે ખેતીવાડી અધિકારીનું ધ્યાન દોરવા રજૂઆત કરી હતી.

ત્યારબાદ આ બેઠકમાં પંચાયતની મહત્વની શિક્ષણ સમિતિ, સિંચાઈ, સહકાર, ઉત્પાદન સમિતિ અને મહિલા બાળવિકાસ સમિતિની રચના માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય સમિતિઓમાં શાસકપક્ષના ૧૭ સભ્યો સામે વિપક્ષના ૧૩ સભ્યોનું મતદાન થતાં આ ત્રણેય સમિતિઓ શાસકપક્ષના ફાળે આવી હતી. તો આ બેઠકમાં મનરેગા યોજનાનું વર્ષ ૨૦૧૯-૨૦નું રૃ.૨૪.૪૬ કરોડનું લેબર બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના બે સભ્યોએ ટેકો આપ્યો

આજની આ સામાન્ય સભામાં કોંગ્રેસ પાસે ગત સામાન્ય સભામાં ૧૮ સભ્યો સાથે બહુમતી હતી પરંતુ કોંગ્રેસમાંથી ૨ સભ્યોએ બજેટ વખતે ભાજપને ટેકો આપતા ભાજપ પાસે બહુમતી આવી હતી અને આજે કોંગ્રેસ પાસે પુરતું સંખ્યાબળ નહિ હોવાના કારણે તમામ સમિતિમાં તેની હાર થઈ હતી. આજે સામાન્યસભામાં ૩૧ સભ્યો હાજર હતા તેમાં ભાજપ પાસે ૧૭ અને કોંગ્રેસ પાસે ૧૩ સભ્યો હતા. જ્યારે ભાજપના સસ્પેન્ડ સદસ્ય શંકર કટારીયાએ ભાજપ વિરુદ્ધ મતદાનમાં ભાગ લીધો હતો.

Tags :